બાંગ્લાદેશમાં ફરી વિરોધ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આપવું પડ્યું રાજીનામું

ચીફ જસ્ટિસ

બાંગ્લાદેશ ના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને આખરે વિરોધકર્તાઓના અલ્ટીમેટમ બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસ શનિવારે સાંજે પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યા છે. ઓબેદુલ હસનને ગયા વર્ષે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હસનને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પણ નજીકના માનવામાં આવે છે.

બાંગ્લાદેશ માં શનિવારે ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. દેખાવકારોએ હવે ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજોને એક કલાકમાં રાજીનામું આપવા કહ્યું છે. વધી રહેલા વિરોધને જોઈને બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડા પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. સાંજે પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીન સાથે ચર્ચા કર્યા બાદ તેઓ રાજીનામું સોંપશે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન રાજીનામું નહીં આપે તો તેઓ તેમના નિવાસસ્થાનો પર હુમલો કરશે. તાજેતરમાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ચીફ જસ્ટિસે ફુલ કોર્ટ મીટિંગ બોલાવી હતી, જેનાથી વિરોધીઓ ગુસ્સે થયા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો વિરોધીઓ સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધવા લાગ્યા. અબ્દુલ મુકદ્દીમ નામના વિરોધકર્તાએ દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયાધીશ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવાનું કાવતરું કરી રહ્યા છે. “ફાસીવાદીઓ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ અમે મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવા દબાણ કરવા માટે આવ્યા છીએ,” મુકદ્દિમે ડેઈલી સ્ટારને જણાવ્યું હતું. વચગાળાની સરકારના રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે પણ “ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનનું બિનશરતી રાજીનામું” અને ફુલ કોર્ટ મીટિંગ રદ કરવાની માંગ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તણાવ વચ્ચે ચીફ જસ્ટિસે જજોની મીટિંગ સ્થગિત કરી દીધી હતી.

આ પણ વાંચો-  બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે ભારતે ઉઠાવ્યું આ કદમ, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *