Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતના અમદાવાદમાં પોતાના સંબોધનથી રાજકીય ગરમાવો લાવ્યા. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું સ્વીકારું છું કે ગુજરાતમાં કોંગ્રેસ હવે લોકો માટે સાચો માર્ગદર્શક બની શકી નથી.” તેમના આ નિવેદનથી કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે – એક તો તેઓ જે જનતાની સાથે ઊભા છે અને જેમના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે, જ્યારે બીજા એવા છે, જે જનતાથી દૂરસ્થ રહી ભાજપની તરફેણ કરી રહ્યા છે. અડધા તો ભાજપમાં જોડાઈ ગયા છે. જો અમે આ બન્ને જૂથને અલગ નહીં કરી શકીએ, તો ગુજરાતના લોકો આપણું વિશ્વાસ નહીં કરી શકે.”
‘ગુજરાતના લોકો વિકલ્પ ઇચ્છે છે’
રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ગુજરાતના લોકો એક વિકલ્પ ઇચ્છે છે, તેમને બી-ટીમ (B-Team) નહીં જોઈએ. મારી મુખ્ય જવાબદારી એ છે કે, કોંગ્રેસમાં રહેલા ભાજપના સંકેતવાળા લોકોને અલગ કરવાના છે. જો કડક કાર્યવાહી કરવી પડે, તો 10, 15, 20 કે 30 નેતાઓને પાર્ટીમાંથી બહાર કરવાની તૈયારી હોવી જોઈએ. જે કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામ કરે છે, તેમને કોંગ્રેસમાં કોઈ જગ્યા નહીં હોય.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખો સાથે મળ્યો હતો. મારો ઉદ્દેશ્ય એ હતો કે તેઓની અભિપ્રાય જાણું અને સંસ્થાની વાસ્તવિક સ્થિતિ સમજું. આ દરમિયાન સંગઠન અને રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગેની ઘણી બાબતો સામે આવી. હું ફક્ત કોંગ્રેસ માટે નહીં, પરંતુ ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે અહીં આવ્યો છું.”
કોંગ્રેસ માટે રાહુલ ગાંધીની ચિંતાઓ
રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા કહ્યું, “ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તા બહાર છે. જ્યારે પણ હું ગુજરાતમાં આવું છું, ત્યારે 2012, 2017, 2022 અને 2027 ની ચૂંટણીઓ પર જ ચર્ચા થાય છે. પણ મને લાગે છે કે પ્રશ્ન માત્ર ચૂંટણીનો નથી. જો કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત થવું હોય, તો પ્રથમ જવાબદારીઓ નક્કી કરવી પડશે અને તે પુરી કરવા માટે કડક નિર્ણય લેવો પડશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “ગુજરાતમાં કોંગ્રેસ હંમેશા પાછળ જ રહી છે. વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પોતાનું સ્થાન મજબૂત કરી શકી નથી. જો પાર્ટી નેતા અને કાર્યકર્તાઓમાં ભેદભાવ ચાલુ રહેશે, તો ગુજરાતના લોકો ક્યારેય કોંગ્રેસ પર વિશ્વાસ નહીં રાખે.”
ગુજરાત કોંગ્રેસમાં બદલાવની જરૂર
રાહુલ ગાંધીએ પોતાની ભાષણમાં કોંગ્રેસના કાર્યકરોને અનુકૂળ અને પ્રખર કાર્ય માટે પ્રેરિત કરતા કહ્યું, “જો આપણે સાચા રૂપમાં ગુજરાત માટે લડવા માંગતા હોઈએ, તો પહેલાથી જ પાર્ટી અંદરના અસલી અને નકલી કાર્યકરોને છટણી કરવાની જરૂર છે.” આ નિવેદન બાદ સમગ્ર હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો.
તેમના સંબોધન બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શું કોંગ્રેસ હવે ગુજરાતમાં વાસ્તવિક બદલાવ લાવવા માટે કડક પગલા ભરશે? હવે જોવાનું રહેશે કે રાહુલ ગાંધીની આ સ્પષ્ટતા પછી, ગુજરાત કોંગ્રેસમાં કેવા નિર્ણયો લેવામાં આવે છે.