RBI New Deputy Governor : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI)નવા ડેપ્યુટી ગવર્નર મળી ગયા છે. સરકાર દ્વારા પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે, જે આગામી ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે. જાન્યુઆરીમાં માઈકલ દેબબ્રત પાત્રાના નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેને હવે પૂનમ ગુપ્તા ભરી રહી છે.
પૂનમ ગુપ્તા કોણ છે?
પૂનમ ગુપ્તા નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) માં ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત રહી ચૂક્યાં છે. તેઓ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ની સભ્ય તેમજ 16મા નાણા પંચની સલાહકાર પરિષદના કન્વીનર પણ છે. તે અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વર્લ્ડ બેંકમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે.
RBIમાં તેમની નવી ભૂમિકા
ડેપ્યુટી ગવર્નર તરીકે, પૂનમ ગુપ્તા RBIના વિવિધ નીતિ નિર્ણયો, આર્થિક વ્યૂહરચના અને મૉનિટરી પૉલિસી બનાવવા માટે જવાબદાર રહેશે.
શૈક્ષણિક પાત્રભૂમિ
પૂનમ ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ અને યુએસની મેરીલેન્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કરી છે. તેમણે દિલ્હીની ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ (ISI), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (NIPFP) અને ICRIER માં શિક્ષણ આપ્યું છે.
શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે ઓળખ
પૂનમ ગુપ્તા એક અનુભવી અર્થશાસ્ત્રી છે, જેમણે વૈશ્વિક સ્તરે પણ પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓની નિમણૂક RBI માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પૂનમ ગુપ્તા આગામી ત્રણ વર્ષ માટે RBIમાં ડેપ્યુટી ગવર્નર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવશે.