Russia Plane Crash રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં મંગળવાર, 17 નવેમ્બર 2026ના રોજ એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. કેમેરોવો ક્ષેત્રના યાગુનોવો ગામ નજીક રશિયાનું An-12 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, ઉડાન દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. ત્યારબાદ તે ઝડપથી નીચે પટકાયું અને જમીન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 17 લોકોનાં મોત થયાના અહેવાલ છે.
Russia Plane Crash હવામાં આગ લાગ્યા બાદ વિમાન નીચે પટકાયું
પ્રાપ્ત અહેવાલો અનુસાર, વિમાન ઉડાન દરમિયાન આગની લપેટમાં આવી ગયું હતું. ત્યારબાદ તેણે ઝડપથી ઊંચાઈ ગુમાવી હતી. પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે.
જોકે, વિમાન જમીન પર પટકાતાં જ મોટો વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, બચાવ ટીમો અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
17 લોકોનાં મોતના અહેવાલ
રશિયન મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં કુલ 17 લોકો સવાર હતા અને તમામનાં મોત થયાં હોવાની માહિતી છે. જોકે, શરૂઆતના અહેવાલોમાં વિમાનમાં સવાર લોકોની સંખ્યા અંગે અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા.
કેમેરોવો ક્ષેત્રના ગવર્નર ઇલ્યા સેરેડ્યુકે યાગુનોવો ગામ નજીક વિમાન દુર્ઘટના બની હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે કામગીરી કરી રહી છે. જોકે, સત્તાવાર રીતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ અંગે અહેવાલોમાં હજુ સ્પષ્ટતા નથી.
દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ
પ્રાથમિક અહેવાલોમાં ટેકનિકલ ખામી અથવા વિમાનમાં આગ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
રશિયન સત્તાવાળાઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ વિમાનમાં આગ કેવી રીતે લાગી અને તે ક્રેશ થવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સ્પષ્ટ થશે.
શું છે An-12 મિલિટરી વિમાન?
An-12 એ સોવિયેત યુગમાં વિકસાવવામાં આવેલું ચાર એન્જિન ધરાવતું લશ્કરી પરિવહન વિમાન છે. તેનો ઉપયોગ સૈનિકો, લશ્કરી સાધનો અને અન્ય માલસામાનની હેરફેર માટે કરવામાં આવે છે.
રશિયામાં બનેલી આ દુર્ઘટનાએ લશ્કરી વિમાનોની સુરક્ષા અને ઉડાન દરમિયાન થતી ટેકનિકલ ખામીઓ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

