પોલીસ ઇન્સ્પેક્ટર સી. એચ. આસુંદ્રા – ગુજરાતના વડોદરા જિલ્લા કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સી. એચ. આસુંદ્રા પર અમદાવાદના વકીલ શેખ મહમૂદ આદિલને કોર્ટ પરિસરમાં લાફો મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. કે. શાહની કોર્ટમાં બની હતી, જેના સાક્ષી ન્યાયાધીશ, કોર્ટ સ્ટાફ અને અન્ય વકીલો બન્યા હતા. આ ઘટનાએ વડોદરા બાર એસોસિએશન સહિત કાયદાકીય સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો છે, અને મહિલા PIના તાત્કાલિક સસ્પેન્શનની માંગ ઉઠી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર સી. એચ. આસુંદ્રા – આ ઘટના વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં બની, જ્યાં ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા PI સી. એચ. આસુંદ્રા એક કેસમાં આરોપીને રજૂ કરવા આવ્યા હતા. આ દરમિયાન, અમદાવાદના વકીલ શેખ મહમૂદ આદિલ, જે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને આ ખાસ કેસ માટે વડોદરા આવ્યા હતા, તેમની સાથે બોલાચાલી થઈ. બોલાચાલીનો મામલો એટલો વણસ્યો કે મહિલા PIએ વકીલને બે લાફા માર્યા હોવાનો આરોપ લાગ્યો છે. વકીલે દાવો કર્યો છે કે આ હુમલાથી તેમના કાનમાં ઈજા થઈ છે અને સાંભળવામાં તકલીફ થઈ રહી છે.બીજી તરફ, મહિલા PIએ આરોપનો ખંડન કરતાં કહ્યું કે, આરોપીને લઈ જતી વખતે વકીલે તુંકારો કરી અને અડચણરૂપ વર્તન કર્યું, જેના કારણે આ ઘટના બની.
વકીલોનો આક્રોશ અને સસ્પેન્શનની માંગ
વડોદરા બાર એસોસિએશને આ ઘટનાની તીવ્ર નિંદા કરી છે અને મહિલા PI સી. એચ. આસુંદ્રાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. એસોસિએશને ચેતવણી આપી છે કે, જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો વકીલો ઉગ્ર આંદોલન કરશે. ઘટના બાદ ચાર પોલીસ સ્ટેશનના PI અને ACP સહિતનો સ્ટાફ કોર્ટ પહોંચ્યો હતો અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમાધાન થયું નથી.
કાયદાના જાણકારોના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં ન્યાયાધીશ સીધી કાર્યવાહી કરી શકે નહીં. આ મામલે ફરિયાદ નોંધવાની જવાબદારી પોલીસની છે, અને પોલીસ જ FIR નોંધી શકે છે. જોકે, હજુ સુધી આ ઘટના સંદર્ભે કોઈ FIR નોંધાઈ હોવાની માહિતી સામે આવી નથી.