HMPV virus in Sabarkantha : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહીંના આઠ વર્ષના બાળકમાં HMPV જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જ્યાં રિપોર્ટ દ્વારા વાયરસની પુષ્ટિ થશે.
શું છે વિગત?
હિંમતનગરની બેબી કેર હોસ્પિટલમાં દાખલ આઠ વર્ષના બાળકમાં શરદી અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા. શંકાસ્પદ HMPV હોવાના આધારે તેનું એક્સરે કરાવવામાં આવ્યું, જેનાથી ન્યુમોનિયાની અસર સામે આવી. સેમ્પલ લઈ આરોગ્ય વિભાગે તપાસ માટે ગાંધીનગર મોકલ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ સાચી સ્થિતિ જાણવા મળશે.
આરોગ્ય વિભાગની તાત્કાલિક કામગીરી
શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. હિંમતનગરમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને શક્ય તેટલી તાત્કાલિક સાવચેતીઓ અપનાવવામાં આવી રહી છે.
અમદાવાદમાં પહેલો કેસ નોંધાયો
HMPV વાયરસના લક્ષણો સાથે ગુજરાતમાં પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો હતો. બે મહિનાનું બાળક HMPV થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું, જેમાં શરદી અને તાવ જેવા લક્ષણો દેખાયા હતા. હોસ્પિટલમાં બાળકની સારવાર થઈ અને તે હવે સ્વસ્થ છે.
વાયરસ સામે ગુજરાતની તૈયારીઓ
ચીનમાંથી શરૂ થયેલા આ વાયરસને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે તત્કાળ પગલાં લેવા શરૂ કરી દીધા છે. જે રીતે અગાઉ કોરોનામાં તકેદારી રાખવામાં આવી હતી, તેવી જ રીતે રાજ્યની હોસ્પિટલોમાં તૈયારી કરાઈ રહી છે. આ સાથે જ હિંમતનગર સહિત અન્ય વિસ્તારોમાં પણ તબીબી દેખરેખ કડક બનાવવામાં આવી છે.