ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 15 દિવસ પહેલાં કડીના સુજાતપુરા રોડ પર આવેલી ન્યૂ શ્યામ ધરતી સીટી સોસાયટીમાં રહેતા હાર્દિક પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં તેને મૂળ વિજાપુર તાલુકાના જેપુર ગામના વતની અને દેત્રોજ તાલુકાના શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં દંપતી અને તેના બનેવીએ 8 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. એ મામલે શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક સુધાબેન કનૈયાલાલ પટેલ અને તેમના પતિ કનૈયાલાલ મણિલાલ પટેલ તેમજ કનૈયાલાલ પટેલના બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
યુવકની ફરિયાદ પ્રમાણે આ શિક્ષક કપલ કડીના ધરતી સિટીમાં આવેલા શ્યામ વિભાગમાં રહે છે. શિક્ષક સુધાબેન કનૈયાલાલ પટેલ અને તેમના પતિ કનૈયાલાલ મણિલાલ પટેલ અને તેમના બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ દ્વારા હાર્દિક પટેલેને મિલકતમાં રોકાણ કરી સારો નફો મેળવવાની લાલચ આપીને ધીમે ધીમે કરીને 8 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
હાર્દિક પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ જાતે પણ તપાસ કરી હતી. જેમાં કનૈયાલાલ મણિલાલ પટેલે ગાંધીનગરના રતનપુર ખાતે વિવિધ જગ્યાઓએ જમીનો લીધેલી હોવાનું પણ જાણવા મળ્યું હતું. કનૈયાલાલ મણિલાલ પટેલે અલગ અલગ જગ્યાએ જમીનો અને મકાન ખરીદી માટે 50થી વધારે લોકો પાસેથી 100થી 125 કરોડ રૂપિયા લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે 15 દિવસ પહેલા કડી પોલીસ મથકે ત્રણે સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
આ પણ વાંચો- ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે