દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા.
આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન કરીને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. અમદાવાદના ચંડોળા તાલાબ વિસ્તારમાં તાજેતરમાં થયેલા સરકારી ધ્વંસને કારણે વિસ્થાપિત થયેલા ઘણા આર્થિક રીતે પછાત પરિવારોના લગ્ન પણ આ સમારોહમાં કરાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી,આ કાર્યક્રમની અધ્યક્ષતા કારી રશીદ અહેમદ સાહેબ દ્વારા કરવામાં આવી હતી. આ સર્વધર્મ લગ્ન સમારોહમાં ભારે સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ સમૂહ લગ્ન સમારોહમાં ટ્રસ્ટના વડા અને ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ મુફ્તી રિઝવાન તારાપુરી સાહેબે એકતાનો મજબૂત સંદેશો આપતા જણાવ્યું હતું કે જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ છેલ્લા ત્રણ દાયકાથી સમાજ સેવા કરી રહ્યું છે, એ પણ કોઈ પણ ધર્મના ભેદભાવ વગર. તમામ ધર્મોનો આદર કરીને અમે શિક્ષણ, આરોગ્ય અને સમાજની અન્ય સેવાઓ અવિરતપણે નિભાવીએ છીએ. સમાજમાં જે લોકો આર્થિક રીતે પછાત છે અને સમાજમાં દહેજના દૂષણને ડામવા તેમજ લગ્નોમાં થતા અતિરેક ખર્ચ પર કાપ આવે તે હેતુથી અમે છેલ્લા ત્રણ વર્ષથી સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. અમે ગંગા-જમુનાની સંસ્કૃતિ પ્રમાણે જીવીએ છીએ અને આના થકી સમાજને એકતાનો સંદેશ આપીએ છીએ. અમે ધર્મના ભેદભાવ કર્યા વગર સમાજની સેવા કરી અમારો ઉત્તરદાયિત્વ નિભાવીએ છીએ. આ ઉપરાંત તેમણે આ લગ્નમાં હાજર રહેલા તમામ મહેમાનો અને જે લોકોએ કિંમતી સમય કાઢીઆ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમનો દિલથી આભાર માન્યો હતો.
જામીઆ ઇબ્ને અબ્બાસના ત્રીજા સર્વર્ધમ સમૂહ લગ્નમાં શહેરના મૌલવીઓ, અનેક રાજકીય હસ્તીઓ અને સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટે તમામ નવદંપતીઓને તેમનું નવું જીવન શરૂ કરવામાં મદદરૂપ થાય તેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અને ઘરવખરી ભેટ આપી હતી.
આ કાર્યક્રમનું સમાપન કારી રશીદ સાહેબની પ્રાર્થના સાથે પૂર્ણ થયો, અને ટ્રસ્ટે આવતા વર્ષે આનાથી પણ મોટો કાર્યક્રમ યોજીને સમાજ સેવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો છે.