અમદાવાદની જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

જેનેવા લિબરલ સ્કૂલને ધમકી – અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શાળાના ઇમેલ આઈડી પર આવેલા આ ધમકીભર્યા મેસેજને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી હતી.
પોલીસે હાથ ધરી સઘન તપાસ
જેનેવા લિબરલ સ્કૂલને ધમકી- પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ શાળા પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા ઇમેલને ગંભીરતાથી લઈ, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ડીઇઓ કચેરીએ પણ આ ઇમેલની પુષ્ટિ કરી અને જણાવ્યું કે શાળામાં સુરક્ષા તપાસ ચાલી રહી છે. સાથે જ, બિનઅધિકૃત વ્યક્તિઓને શાળામાં પ્રવેશ ન દેવા સૂચના આપવામાં આવી છે.
અગાઉ પણ આવા કિસ્સાઓ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શાળાઓ અને સરકારી કચેરીઓને આવા ધમકીભર્યા મેસેજ મળવાના બનાવો બન્યા છે. આવા મેસેજ મોટાભાગે વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવતા હોવાનું જણાય છે. જોકે, સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ હંમેશા સતર્ક રહે છે. હાલ જેનેવા લિબરલ સ્કૂલમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. પોલીસ હવે આ ઇમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ માટે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *