ગુજરાતના નવા DGP : ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાય છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પદ પર કાર્યરત છે. પરંતુ નિયમ મુજબ, તેઓ આવતીકાલે, 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આ સાથે રાજ્યના અન્ય વરિષ્ઠ IPS અધિકારી વિવેક શ્રીવાસ્તવ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાતના નવા DGP તરીકે કોની નિમણૂક થશે તે પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
જી.એસ. મલિક રેસમાં આગળ
ગુજરાતના નવા DGP: પોલીસ વિભાગના સૂત્રો અનુસાર, અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ DGPના પદ માટે સૌથી આગળ છે. 1993ની બેચના આ અનુભવી IPS અધિકારીએ અગાઉ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં મહત્વની જવાબદારી નિભાવી છે. અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં અને રથયાત્રા જેવા મોટા કાર્યક્રમોના સફળ સંચાલનમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. મલિક નવેમ્બર 2028માં નિવૃત્ત થવાના છે, જેના કારણે તેમને લાંબા ગાળાની નિમણૂક માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
કે.એલ.એન. રાવ પણ દાવેદાર, પરંતુ વિવાદ નડી શકે
જી.એસ. મલિક બાદ ડૉ. કે.એલ.એન. રાવનું નામ પણ DGPની રેસમાં ચર્ચામાં છે. હાલમાં જેલ વિભાગના વડા તરીકે કાર્યરત રાવ સિનિયોરિટીના આધારે મજબૂત દાવેદાર છે અને તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે. જોકે, તેમનો અતીક અહેમદ સાથેનો વીડિયો કોલ વિવાદ તેમની નિમણૂકની શક્યતાઓ પર અસર કરી શકે છે. આ ઉપરાંત, રાવ લાંબા સમયથી સાઇડ ટ્રેક પોસ્ટિંગ પર હોવાથી સરકાર સાથે તેમની નિકટતા ઓછી હોવાનું મનાય છે, જેના કારણે તેમને ડેપ્યુટેશન પર મોકલવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે.
વિકાસ સહાયને એક્સટેન્શનની શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ, વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે, જેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી શકે છે. જો એક્સટેન્શન આપવામાં નહીં આવે તો, સરકારે નવા DGPની નિમણૂક માટે પાંચ IPS અધિકારીઓની યાદી કેન્દ્રને મોકલી છે, જેમાંથી સરકારની ‘ગુડ બુક’માં હોય તેની પસંદગી થઈ શકે છે.
અન્ય દાવેદારો અને ચર્ચાઓ
જી.એસ. મલિક અને કે.એલ.એન. રાવ ઉપરાંત ડૉ. નીરજા ગોટરુ (નિવૃત્તિ: નવેમ્બર 2029), મનોજ શશિધર (નિવૃત્તિ: નવેમ્બર 2030), અને રાજુ ભાર્ગવ (નિવૃત્તિ: ઓગસ્ટ 2026)ના નામો પણ ચર્ચામાં છે. જોકે, સિનિયોરિટી અને સરકાર સાથેની નિકટતાના આધારે મલિક અને રાવની શક્યતાઓ વધુ મજબૂત ગણાય છે.