ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે.
ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે ખેતીવાડી ફીડર પરથી માત્ર 03 કિલોવોટ (KW)ના વીજ ભાર સુધી સિંગલ ફેજ વીજ જોડાણ આપવામાં આવતું હતું. હવે, નવા નિર્ણય અનુસાર, આવા પરિવારોને 06 કિલોવોટ (KW) સુધીનું વીજ જોડાણ મળી શકશે. આ માટે માત્ર KW આધારિત ફિક્સ ચાર્જ ભરવાનો રહેશે, જેનાથી ખર્ચનો બોજ ઘટશે.
અગાઉ વીજ જોડાણ માટે વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 01 લાખ (જે ઓછું હોય તે) ચૂકવવું પડતું હતું. નવા નિયમો હેઠળ, ગામતળની બહાર રહેતા નાગરિકોને માત્ર ફિક્સ ચાર્જ ભરીને વીજ જોડાણ મળશે. આ નિર્ણયથી ખેડૂતો અને વાડી વિસ્તારમાં ઘર બનાવનારા લોકોને આર્થિક રાહત મળશે.
ગામતળની બહારના છૂટા-છવાયા મકાનોમાં વીજ જોડાણ માટે હવે નોન-એજી (Non-AG) ફીડરનો ઉપયોગ થશે, જેમાં કોઈ લોડ મર્યાદા રહેશે નહીં. આ માટે જમીનની ટેક્નિકલ ચકાસણી કરવામાં આવશે, જેમાં ગામથી અંતર, સલામતી, અને વીજ ચોરી જેવા પાસાઓ ધ્યાને લેવાશે. વીજ જોડાણ માટે બંચ કેબલનો ઉપયોગ થશે, જે સુરક્ષિત અને કાર્યક્ષમ છે.
ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું, “આ નિર્ણયો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સુલભતા વધારશે અને ગામતળની બહાર રહેતા નાગરિકોના જીવનને સરળ બનાવશે.