મહેમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, મુન્ની વોરા સહિત ત્રણ સામે પોલીસની કાર્યવાહી

મહેમદાવાદ

ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે સામાન્ય નાગરિકો માટે આર્થિક અને માનસિક પાયમાલીનું કારણ બની રહ્યો છે. ત્યારે હવે મહેમદાવાદ પોલીસે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત સામે મોટી કાર્યવાહી કરતા ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાનો શિકંજો કસ્યો છે.

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે  મહેમદાવાદ પોલીસમાં  ફરિયાદીએ પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે આરોપીઓ પાસેથી કુલ ₹3,50,000 ઉછીના લીધા હતા. જોકે, આ રકમ આપ્યા બાદ આરોપીઓએ માનવતા નેવે મૂકીને ઉઘાડી લૂંટ ચલાવી હતી. આરોપીઓ ફરિયાદી પાસેથી દર અઠવાડિયે ₹25,000 જેટલું મસમોટું વ્યાજ વસૂલતા હતા, જે વ્યાજખોરીની પરાકાષ્ઠા સમાન છે.

 મહેમદાવાદ ના ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

 ઉલ્લેખનીય છે કે  પોલીસે આ કેસમાં જે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે તેમાં મુમતાઝ ઉર્ફે મુન્ની, ઇકબાલ મન્સૂરી અને ગનીભાઈ વોહરા નો સમાવેશ થાય છે. આરોપ છે કે આ ત્રણેય વ્યાજખોરોએ મિલીભગત કરી ફરિયાદીને માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  જાનથી મારી નાખવાની ધમકી

આ વ્યાજખોરો માત્ર નાણાં વસૂલીને અટક્યા નહોતા. જ્યારે ફરિયાદી વ્યાજની રકમ ચૂકવવામાં અસમર્થ બન્યા, ત્યારે આરોપીઓએ દબાણ લાવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આટલું જ નહીં, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે તેઓ લાંબા સમયથી સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.

પોલીસ દ્વારા કડક કાર્યવાહી

આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફરિયાદીએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વ્યાજખોરી પ્રતિબંધિત કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને તેમની મિલકતો તેમજ અન્ય આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રમઝાન માસ પૂર્વે કેસરામાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *