Girnar Ambaji Temple Controversy : ગિરનાર પર્વત પર આવેલા લાખો ભક્તોના આસ્થાના પ્રતીક સમાન પવિત્ર અંબાજી મંદિરમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મંદિરના ભંડારા (રસોડા) માં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને માંસાહારી ભોજનની મહેફિલ માણવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Girnar Ambaji Temple Controversy : ધાર્મિક સ્થળની પવિત્રતાનું ગંભીર ઉલ્લંઘન
વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં લેતા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પવિત્ર યાત્રાધામની ગરિમાને લાંછન લગાડનારી આ ઘટનાની વિગતવાર તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસના અંતે વહીવટીતંત્રે મોટી કાર્યવાહી કરતા, મંદિરમાં ફરજ બજાવતા 10 પૂજારીઓ અને એક રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત, સસ્પેન્ડ કરાયેલા તમામ કર્મચારીઓના મંદિર પરિસરમાં પ્રવેશ પર પણ કાયમી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ગિરનાર અંબાજી મંદિર ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટી? વીડિયો વાયરલ થતા પુજારી સહિત 11 કર્મીઓ સસ્પેન્ડ #Junagadh #Girnar #GirnarAmbajiTemple pic.twitter.com/hQDSjV8v1m
— MG Vimal ✍️ – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 12, 2026
Girnar Ambaji Temple Controversy : મામલતદારનું સત્તાવાર નિવેદન
હાલમાં અંબાજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળી રહેલા જૂનાગઢ શહેરના મામલતદાર એ.કે. બારૈયાએ આ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતોના આધારે આ કડક પગલાં લેવાયા છે. કથિત સંડોવણી બહાર આવતા તમામ હંગામી કર્મચારીઓને તેમની સેવામાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં ખાતરી આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પવિત્ર યાત્રાધામમાં આવી કોઈ અઘટિત ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સઘન તકેદારી રાખવામાં આવશે અને કડક નિયમો લાગુ કરવામાં આવશે.
સસ્પેન્ડ કરાયેલા 11 કર્મચારીઓ
તંત્ર દ્વારા જે 11 હંગામી કર્મચારીઓ સામે કડક એક્શન લઈને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી, ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી અને વિજયભાઈ ત્રિવેદી તેમજ રસોઈયા સમીયા રામનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વડોદરામાં લવ જેહાદની ઘટના, લગ્નની લાલચે 8 વર્ષ સુધી શોષણ, હવે મારી નાંખવાની ધમકી!

