Qassem Soleimani : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને એક અત્યંત મોટી અને આકરી કાર્યવાહી કરી છે. અમેરિકન એજન્સીઓએ ઈરાનના દિવંગત સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની (Qassem Soleimani) ભત્રીજી અને તેની દીકરીની અમેરિકામાં ધરપકડ કરી લીધી છે. ધરપકડ પહેલા આ બંનેના અમેરિકન ગ્રીન કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યા હતા.
Qassem Soleimani: લોસ એન્જલસમાં વૈભવી જીવન અને ઈરાનનું સમર્થન
અમેરિકન વિદેશ વિભાગના સત્તાવાર નિવેદન અનુસાર, કાસિમ સુલેમાનીની ભત્રીજી હામિદેહ સુલેમાની અફશર (Hamideh Soleimani Afshar) અને તેની દીકરી હાલ ‘યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ (ICE) ની કસ્ટડીમાં છે. માર્કો રુબિયો દ્વારા તેમના ગ્રીન કાર્ડ રદ કરવામાં આવ્યા હતા.વિદેશ વિભાગે હામિદેહ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, તે લોસ એન્જલસમાં અત્યંત વૈભવી અને શાનદાર જીવન જીવતી હતી, પરંતુ સાથે જ અમેરિકામાં રહીને ઈરાનના ‘આતંકવાદી શાસન’ અને દુષ્પ્રચારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતી હતી.
અમેરિકાને ‘મહાન શેતાન’ ગણાવ્યું
હામિદેહ સુલેમાની પર નીચે મુજબના ગંભીર આરોપો લાગ્યા છે:
તેણે અમેરિકન સૈનિકો અને સૈન્ય ઠેકાણાઓ પર થયેલા હુમલાઓની ઉજવણી કરી હતી.
ઈરાનના સુપ્રીમ લીડરના વખાણ કર્યા અને અમેરિકાને ‘મહાન શેતાન’ (Great Satan) ગણાવ્યું.
અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરાયેલા ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ને ખુલ્લું સમર્થન આપ્યું.
તાજેતરમાં ડિલીટ કરાયેલી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થયું છે કે તે ઈરાની શાસનની કટ્ટર સમર્થક છે.
કોણ હતો કાસિમ સુલેમાની?
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે એક ઘાતક ડ્રોન સ્ટ્રાઇક કરાવી હતી. આ હુમલામાં IRGC ની કુદ્સ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. અમેરિકાનો આરોપ હતો કે સુલેમાની ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા અમેરિકન સૈના પર હુમલાઓ કરાવતો હતો. હવે યુદ્ધના આ માહોલમાં તેના જ પરિવારના સભ્યોની અમેરિકામાં ધરપકડ થતા મામલો વધુ ગરમાયો છે.
આ પણ વાંચો: અજેય મનાતા અમેરિકન F-15E ફાઈટર જેટને ઈરાને કેવી રીતે તોડી પાડ્યું? જાણો આ અત્યાધુનિક વિમાનની ખાસિયતો

