Kinnar Akhada Girnari Mata Attack જૂનાગઢના કિન્નર અખાડામાં ભજન સંધ્યા દરમિયાન થયેલી તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને અધ્યક્ષ ગિરનારી માતા પર ગદા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ધાર્મિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કિન્નર અખાડા પરિસરમાં ભજન સંધ્યા ચાલી રહી હતી ત્યારે અભદ્ર ભાષાના ઉપયોગને લઈને શિવગીરી નામના શખ્સ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં નાગા સાધુ શિવગીરીએ ગદા વડે ગિરનારી માતા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં અન્ય મહામંડલેશ્વર અને મહંતો પણ સામેલ હોવાનું જણાવાયું છે.
ભજન સંધ્યા જેવા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા હુમલાથી ઉપસ્થિત લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ શિવગીરી અને સાથી મહંતો ફરાર થઈ જતાં કિન્નર અખાડા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

