Ahmedabad Flower Show 2027 અમદાવાદીઓ માટે નવા વર્ષની શરૂઆતમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2027ની મુલાકાત આ વખતે મોંઘી બનશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોની ટિકિટના દરમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વખતે ટિકિટમાં અટલ બ્રિજની મુલાકાત પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે, મુલાકાતીઓ અટલ બ્રિજ પર જાય કે નહીં, ટિકિટમાં તેની કિંમત ચૂકવવી પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીએ નવા ટિકિટ દરને મંજૂરી આપી છે. 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 100 રૂપિયા અને શનિવાર-રવિવારે 120 રૂપિયા ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે.
Ahmedabad Flower Show 2027 ફ્લાવર શોની ટિકિટમાં 20 રૂપિયાનો વધારો
ગત વર્ષે 2026ના ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી 80 રૂપિયા અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે 100 રૂપિયા ટિકિટ હતી. હવે 2027ના આયોજનમાં બંને કેટેગરીમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે.
| વર્ષ | સોમથી શુક્ર | શનિ-રવિ |
|---|---|---|
| 2025 | ₹70 | ₹100 |
| 2026 | ₹80 | ₹100 |
| 2027 | ₹100 | ₹120 |
આ વખતે ફ્લાવર શો અને અટલ બ્રિજ માટે અલગ ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં. જોકે, જે લોકો માત્ર ફ્લાવર શો જોવા ઇચ્છે છે અને અટલ બ્રિજ પર જવા માંગતા નથી, તેમને પણ સંયુક્ત ટિકિટનો જ દર ચૂકવવો પડશે.
1થી 18 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1થી 18 જાન્યુઆરી 2027 દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે. આ આયોજન પાછળ અંદાજે 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
આ વખતે ફૂલોમાંથી તૈયાર કરાયેલાં આશરે 60 સ્કલ્પચર્સ અને વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં 30 મીટરથી વધુ લાંબી વ્હેલ માછલીનું વિશાળ સ્કલ્પચર ખાસ આકર્ષણ રહેશે. તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે મોકલવાની યોજના છે.
વ્હેલ ઉપરાંત ઓક્ટોપસ, ગાંધીજીની દાંડીયાત્રા, સરદાર પટેલ, હેરિટેજ દરવાજા, અમદાવાદની પોળ, ચબૂતરો, સૂર્ય નમસ્કાર, પંચતંત્ર અને બાંધણી પ્રિન્ટની થીમ પણ રજૂ કરાશે. મુલાકાતીઓ માટે ત્રણ મોટી નર્સરી અને 10 ફૂડ સ્ટોલની વ્યવસ્થા રહેશે.

