નાસાનું ઐતિહાસિક આર્ટેમિસ II મિશન સફળ: 53 વર્ષ બાદ માનવજાતની ચંદ્રયાત્રા પૂર્ણ, પ્રશાંત મહાસાગરમાં થયું સુરક્ષિત લેન્ડિંગ

NASA Artemis II Mission Success

NASA Artemis II Mission Success: અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં શુક્રવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. નાસા [NASA] ના અત્યંત મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન આર્ટેમિસ II [Artemis II] ના ચાર અંતરિક્ષ મુસાફરો 10 દિવસની રોમાંચક યાત્રા બાદ પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. ઓરિયોન સ્પેસક્રાફ્ટ [Orion Spacecraft] પ્રશાંત મહાસાગરમાં [Pacific Ocean] કેલિફોર્નિયાના સેન ડિએગો તટ પાસે સફળતાપૂર્વક ઉતરાણ (સ્પ્લેશ ડાઉન) કર્યું હતું. આ મિશન સાથે જ અડધી સદી કરતા પણ વધુ સમય બાદ માનવજાતની ચંદ્ર સુધી પહોંચવાની પ્રથમ કડી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

માનવ ઈતિહાસમાં સૌથી લાંબા અંતરનો નવો રેકોર્ડ [NASA Artemis II Mission Success]

વર્ષ 1972ના એપોલો-17 મિશન બાદ આ પ્રથમ એવી ઘટના છે જેમાં મનુષ્યો ચંદ્રની આટલી નજીક પહોંચ્યા હોય. આ મિશન દરમિયાન કમાન્ડર રીડ વાઈઝમેન [Reid Wiseman], પાયલોટ વિક્ટર ગ્લોવર [Victor Glover], મિશન સ્પેશિયાલિસ્ટ ક્રિસ્ટિના કોચ [Christina Koch] અને જેરેમી હેન્સન [Jeremy Hansen] એ પૃથ્વીથી લગભગ 4,06,771 કિલોમીટર દૂર સુધીની યાત્રા કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. ઓરિયોન સ્પેસક્રાફ્ટ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું ત્યારે તેની ગતિ અવાજની ઝડપ કરતા 32 ગણી વધુ હતી. હજારો ડિગ્રી તાપમાન સહન કર્યા બાદ પેરાશૂટની મદદથી તે દરિયામાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

ચંદ્ર પર સ્થાયી બેઝ અને ભાવુક ક્ષણો [NASA Artemis II Mission Success]

આ મિશન માત્ર ચંદ્રની પરિક્રમા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવા તરફનું પ્રથમ મોટું ડગલું છે. 1 એપ્રિલના રોજ ફ્લોરિડાથી રવાના થયેલા આ સ્પેસક્રાફ્ટે એપોલો 13નો રેકોર્ડ તોડી નાખ્યો છે. યાત્રા દરમિયાન અંતરિક્ષ મુસાફરોએ ચંદ્રની અત્યંત નજીકથી તસવીરો લીધી અને પૂર્ણ સૂર્યગ્રહણ [Solar Eclipse] નો અદભૂત નજારો પણ જોયો. મિશનની સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે મુસાફરોએ ચંદ્ર પરના બે ખાડાઓના (ક્રેટર્સ) નામ પોતાના યાન અને વાઈઝમેનની સ્વર્ગસ્થ પત્ની કેરોલ [Carroll] ના નામ પર રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે નાસાની નજર આર્ટેમિસ III [Artemis III] પર છે, જે અંતર્ગત મનુષ્યોને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *