Rohtak Firing હરિયાણાના રોહતકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા એક ઢાબા પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર યુવકોનાં મોત થયાં છે. હુમલાખોરો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં ગેંગવોરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Rohtak Firing ઢાબા પર જમતા યુવકો પર અચાનક ગોળીબાર
આ ઘટના 25 નવેમ્બરની મોડી રાત્રે રોહતકના દિલ્હી રોડ પર આવેલા મિલન ઢાબા ખાતે બની હતી. તે સમયે કેટલાક યુવકો ઢાબા પર બેસીને ભોજન કરી રહ્યા હતા. દરમિયાન સ્વિફ્ટ કારમાં આવેલા હથિયારધારી હુમલાખોરોએ તેમના પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું.
અચાનક થયેલા ગોળીબારથી ઢાબા પર અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકો જીવ બચાવવા માટે ટેબલ અને ખુરશીઓ પાછળ સંતાઈ ગયા હતા. અહેવાલો અનુસાર, હુમલાખોરોએ 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ગોળીબારમાં ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચોથો યુવક જીવ બચાવવા ભાગ્યો હતો. હુમલાખોરોએ તેનો પીછો કરીને તેને પણ ગોળી મારી દીધી હતી.
મૃતકોમાં ત્રણ યુવકો એક જ ગામના
આ ગોળીબારની ઘટનામાં જીવ ગુમાવનારા યુવકોની ઓળખ રિંકુ, વિનીત, હર્ષ ઉર્ફે ગંજુ અને હિમાંશુ તરીકે થઈ છે. તેમાંથી ત્રણ યુવકો ઝજ્જર જિલ્લાના ડીઘલ ગામના રહેવાસી હતા. જ્યારે હિમાંશુ બેરી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.
ભાઉ અને સન્ની ગેંગ વચ્ચેની અદાવતની આશંકા
પ્રાથમિક તપાસમાં આ ઘટનાને ભાઉ રિટોલિયા અને સન્ની રિટોલિયા ગેંગ વચ્ચેની જૂની અદાવત સાથે જોડીને જોવામાં આવી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી ગેંગવોરને સત્તાવાર કારણ તરીકે જાહેર કર્યું નથી.
ડીઘલ ગામમાં અગાઉ થયેલી એક યુવકની હત્યા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની અનેક ટીમો તપાસમાં જોડાઈ
ઘટનાની જાણ થતાં રોહતક રેન્જના IG હામિદ અખ્તર, SP ગૌરવ રાજપુરોહિત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. CIA, સ્પેશિયલ સેલ અને FSLની ટીમોએ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા હતા.
પોલીસે FIR નોંધીને આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હુમલાખોરો કોણ હતા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા તપાસ ચાલુ છે.
ખાસ વાત એ છે કે આટલી ગંભીર ઘટના પોલીસ ચોકીથી માત્ર થોડા અંતરે બની છે. તેના કારણે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.

