Kesarisinh Solanki: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ખેડા જિલ્લાના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. માતર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મોટા ક્ષત્રિય નેતા કેસરીસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓ પોતાના અનેક સમર્થકો સાથે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
Kesarisinh Solanki: ભાજપમાં 2 ટર્મ ધારાસભ્ય રહ્યા, 2022માં કપાઈ હતી ટિકિટ
કેસરીસિંહ સોલંકીનો રાજકીય ઈતિહાસ ઘણો ચડાવ-ઉતારવાળો રહ્યો છે. તેઓ માતર બેઠક પરથી 2014 ની પેટાચૂંટણી અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ભવ્ય જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જોકે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને મેદાને ઉતાર્યા હતા. આ નિર્ણયથી નારાજ થઈને કેસરીસિંહ થોડા સમય માટે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા, પરંતુ બાદમાં તેઓ ફરીથી ભાજપમાં પરત ફર્યા હતા.
દારૂના અડ્ડા પર રેડ અને સસ્પેન્શનનો વિવાદ
કેસરીસિંહ સોલંકી તાજેતરમાં એક મોટા વિવાદના કેન્દ્રમાં પણ રહ્યા હતા. તેમણે લિંબાસી વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાઓ પર જાતે જ જનતા રેડ કરી હતી, જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ઘટના બાદ પક્ષની શિસ્તના ભંગ બદલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
સસ્પેન્શન બાદ નારાજ ચાલી રહેલા કેસરીસિંહ સોલંકીએ આખરે કોંગ્રેસનો હાથ પકડી લેતા સ્થાનિક ભાજપ માટે મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે ત્યારે તેમના કોંગ્રેસમાં જોડાવાથી માતર અને ખેડા જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: સાંતેજના PI ભાજપના ‘એજન્ટ’ બની ગયા છે? કોંગ્રેસના ગંભીર આક્ષેપથી ચૂંટણી પહેલા ખળભળાટ!

