Santej PI Congress Allegation : સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ગાંધીનગર જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાંતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) મુછાળ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવતા ગાંધીનગર રેન્જ આઈ.જી. (IG) ને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે સાંતેજ પી.આઈ. પોલીસ અધિકારી તરીકે નહીં, પરંતુ સત્તાધારી ભાજપના ‘એજન્ટ’ તરીકે કામ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપી રહ્યા છે.
Santej PI Congress Allegation: બદલી થઈ ગઈ હોવા છતાં ચાર્જ નથી છોડતા!
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પી.આઈ. મુછાળની 15 દિવસ પહેલા જ અન્ય જગ્યાએ બદલી થઈ ગઈ છે. આમ છતાં, તેઓ હજુ સુધી સાંતેજ પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડતા નથી અને પોતાની નવી બદલીવાળી જગ્યાએ હાજર થયા નથી. કોંગ્રેસનું કહેવું છે કે, બદલી છતાં પી.આઈ. દ્વારા ભાજપને ફાયદો કરાવવા માટે જ આ વિસ્તારમાં રોકાઈને ચૂંટણી પ્રક્રિયામાં ગેરબંધારણીય હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ઉમેદવારો અને કાર્યકરોને ધમકાવવાનો આક્ષેપ
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, કલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પી.આઈ. મુછાળ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ભોયણ અને હાજીપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ લાવવામાં આવે છે. એટલું જ નહીં, કલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિભનજી ઠાકોરને ફોન પર ધમકીઓ અપાઈ હોવાનો પણ પત્રમાં સનસનીખેજ દાવો કરાયો છે.
કોંગ્રેસ પહોંચી ચૂંટણી પંચમાં, કાર્યકરોને આપ્યો મોટો આદેશ
આ ગંભીર મામલે કોંગ્રેસના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને ચૂંટણી પંચમાં પણ લેખિત ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે રેન્જ આઈ.જી. પાસે માંગ કરી છે કે લોકશાહીના મૂલ્યો જળવાઈ રહે તે માટે પી.આઈ.ને તાત્કાલિક અસરથી ચાર્જ મુક્ત કરી તેમની બદલીવાળી જગ્યાએ મોકલવામાં આવે. આ સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના તમામ કાર્યકરોને સલાહ આપી છે કે હવે જ્યારે પણ પોલીસનો ફોન આવે ત્યારે તેનું ‘કોલ રેકોર્ડિંગ’ (Call Recording) અવશ્ય કરવું, જેથી ભવિષ્યમાં તેને મજબૂત પુરાવા તરીકે રજૂ કરી શકાય.

