Marriage Certificate New Rules ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અને બોગસ સર્ટિફિકેટના કૌભાંડો રોકવા માટે રાજ્ય સરકાર હવે કડક એક્શનના મૂડમાં છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયા બાદ, હવે સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ’ માં વધુ મોટા અને મહત્વના સુધારા કરવા જઈ રહી છે.
Marriage Certificate New Rules મેરેજ સર્ટિફિકેટમાં ફોટો અને બાયોમેટ્રિક અનિવાર્ય
પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્નની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા અને દસ્તાવેજની ઓથેન્ટિસિટી (પ્રમાણિકતા) વધારવા માટે સરકાર હવે મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) પર વર અને કન્યાના ફોટા લગાવવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ ઉપરાંત, આધારકાર્ડની જેમ મેરેજ રજિસ્ટ્રેશનમાં પણ કપલનું ‘બાયોમેટ્રિક’ (આંગળાની છાપ) લેવાનું ફરજિયાત કરવામાં આવશે.
પાસપોર્ટ, પ્રોપર્ટી નોંધણી કે કાયદેસરના વારસાના કામોમાં મેરેજ સર્ટિફિકેટ અત્યંત મહત્વનો દસ્તાવેજ હોવાથી, સરકાર તેમાં કોઈ છીંડા રાખવા માંગતી નથી. હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આ નવા નિયમોનો સત્તાવાર અમલ કરવામાં આવશે.
પંચમહાલમાં 4,600 નકલી સર્ટિફિકેટ પકડાતા લેવાયો નિર્ણય
લગ્ન નોંધણીમાં આકરા ફેરફારો કરવા પાછળનું મુખ્ય કારણ બોગસ સર્ટિફિકેટના કૌભાંડો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. વર્ષ 2024 થી 2026 ના ટૂંકા ગાળામાં જ પંચમહાલમાં 4,600 થી વધુ નકલી મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, ત્યારબાદ સરકારે આ કડક નિર્ણય લીધો છે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ કડક બનશે
સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ડ્રાફ્ટ જાહેર કરીને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો માંગ્યા હતા. જેમાં અનેક લોકોએ પ્રેમલગ્નમાં માતા-પિતાની પ્રત્યક્ષ હાજરી, તેમની સહી અને છોકરીના રહેઠાણના વિસ્તારમાં જ લગ્નની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરી હતી. પાટીદાર, ક્ષત્રિય અને ઠાકોર સમાજ લાંબા સમયથી આ માટે આંદોલન પણ ચલાવી રહ્યો છે. જોકે, કેટલાક લોકોએ આ નિયમોને ‘અંગત ગોપનીયતા’ નો ભંગ પણ ગણાવ્યો છે.
નવા નિયમો મુજબ, હવે મેરેજ રજિસ્ટ્રેશનની અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે. આ સાથે વર, કન્યા અને બે સાક્ષીઓની સહી તેમજ સરકારી ઓળખ કાર્ડ (જેમ કે આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ) પણ ફરજિયાત આપવાના રહેશે.
આ પણ વાંચો: સાંતેજના PI ભાજપના ‘એજન્ટ’ બની ગયા છે? કોંગ્રેસના ગંભીર આક્ષેપથી ચૂંટણી પહેલા ખળભળાટ!

