Vijay TVK TN Election Win : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના 50 વર્ષ જૂના રાજકીય સમીકરણોને જડમૂળથી બદલી નાખ્યા છે. સાઉથના સુપરસ્ટાર અને ‘થલાપતિ’ તરીકે જાણીતા એક્ટર વિજયની પાર્ટી ‘તમિઝગા વેત્રી કઝગમ’ (TVK) પોતાની પ્રથમ ચૂંટણીમાં જ 108 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે, TVK બહુમતીના જાદુઈ આંકડાથી થોડી પાછળ રહી ગઈ છે, જેના કારણે તમિલનાડુના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિશંકુ વિધાનસભા (Hung Assembly) સર્જાઈ છે.
Vijay TVK TN Election Win : બહુમતી માટે 10 ધારાસભ્યોની જરૂર
તમિલનાડુની કુલ 234 વિધાનસભા બેઠકોમાંથી સરકાર બનાવવા માટે 118 બેઠકોની સ્પષ્ટ બહુમતી જરૂરી છે. વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી છે, પરંતુ તેઓ હજુ બહુમતીથી 10 બેઠકો દૂર છે. અહેવાલો મુજબ, વિજય હવે સરકાર બનાવવા માટે 8 થી 10 અન્ય ધારાસભ્યો કે નાની પાર્ટીઓના સમર્થનની શોધમાં છે.
DMK અને AIADMK ના ગઢ ધ્વસ્ત
છેલ્લા પાંચ દાયકાથી તમિલનાડુ પર એકહથ્થુ શાસન કરતી બંને મોટી પાર્ટીઓ DMK અને AIADMK ની આ ચૂંટણીમાં કારમી હાર થઈ છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટી DMK ના ગઠબંધનને માત્ર 73 બેઠકો મળી છે, જેમાં ખુદ DMK માત્ર 59 બેઠકો પર સમેટાઈ ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે ખુદ સીએમ સ્ટાલિન ચૂંટણી હારી ગયા છે. બીજી તરફ, AIADMK ગઠબંધનને 53 બેઠકો મળી છે, જેમાંથી AIADMK ની પોતાની 47 બેઠકો છે.
કેવી રીતે બનશે સરકાર?
વિજયે ફેબ્રુઆરી 2024માં પાર્ટી લોન્ચ કરી ત્યારે પોતાની પ્રથમ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી અને કોઈની સાથે પ્રી-પોલ ગઠબંધન કર્યું ન હતું. હવે સરકાર બનાવવા માટે તેમને અન્ય પક્ષોનું સમર્થન જરૂરી છે. વિધાનસભામાં PMK પાસે 18, AMMK પાસે 11 અને કોંગ્રેસ પાસે 5 બેઠકો છે. આ સંજોગોમાં વિજય અન્ય નાના પક્ષો સાથે ચૂંટણી પછીનું ગઠબંધન (Post-poll Alliance) કરીને અથવા તેમની પાસેથી બહારથી સમર્થન પ્રાપ્ત કરીને સત્તાના સિંહાસન સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયનો જાદુ: વિધાનસભા ચૂંટણીના વલણોમાં TVK બહુમતીની નજીક, કેજરીવાલ જેવો ચમત્કાર

