Jamia Ibne Abbas Sarkhej : સામાન્ય રીતે મદ્રસાઓ માત્ર ધાર્મિક શિક્ષણ માટે ઓળખાતા હોય છે, પરંતુ અમદાવાદના સરખેજ-મકરબા રોડ પર આવેલી ‘જામિયા ઇબ્ને અબ્બાસ’ (Jamia Ibne Abbas) સંસ્થાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ (દીની તાલીમ – હિફઝ અને આલિમ) ની સાથે સાથે આધુનિક અને સામાન્ય શિક્ષણ પણ આપવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલા વર્ષ 2025-26 ના ગુજરાત માધ્યમિક બોર્ડના (GSEB) ધોરણ 10 ના પરિણામમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર રાજ્યમાં સંસ્થા અને સમાજનું નામ રોશન કર્યું છે.
Jamia Ibne Abbas Sarkhej: ધાર્મિક શિક્ષણની સાથે આધુનિક (સામાન્ય) શિક્ષણ
પોતાના આદર્શ વાક્ય “હિફઝો આલીમીયત કે સાથ તાલીમી કાબિલિયત” ને સાર્થક કરતા, જામિયા ઇબ્ને અબ્બાસે ધોરણ 10 માં 90% જેટલું જંગી પરિણામ હાંસલ કર્યું છે. સંસ્થાનું લક્ષ્ય એ છે કે બાળકો માત્ર ધાર્મિક જ્ઞાન પૂરતા સીમિત ન રહે, પરંતુ ગુજરાત બોર્ડની તૈયારીઓ કરીને SSC થી લઈને કોલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવે. આ દ્વિ-મુખી શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓ દેશના અને ઉમ્મતના (સમાજના) એક જવાબદાર અને શિક્ષિત નાગરિક બનીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે.

આજના માહોલમાં બંને શિક્ષણ અનિવાર્ય: મુફતી રીઝવાન તારાપુરી
આ ઐતિહાસિક સફળતા અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ મુફતી રીઝવાન તારાપુરીએ જણાવ્યું હતું કે, “આજના આધુનિક અને હરીફાઈના માહોલમાં વિદ્યાર્થીઓ માટે ધર્મની સાથે સામાન્ય દુન્યવી શિક્ષણ પણ અત્યંત અનિવાર્ય છે. અમારી સંસ્થાનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થી મદ્રસાની તાલીમ સાથે સામાન્ય શિક્ષણ પણ ઉત્તમ રીતે મેળવે, જેના લીધે તેઓ પોતાનું કરિયર ખૂબ સારી રીતે ઘડી શકે અને જીવનમાં સફળતાના શિખરો સર કરી શકે.”
આ તેજસ્વી તારલાઓએ વધાર્યું સંસ્થાનું ગૌરવ
સંસ્થાના 16 જેટલા તેજસ્વી તારલાઓએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં શેખ ફરહાન (પ્રથમ), વોહરા ઓસામા (દ્વિતીય), શેખ ઉઝેર (તૃતીય), પઠાણ હિદાયત (ચતુર્થ) અને મલેક ફઝલ (પાંચમો ક્રમ) સહિતના વિદ્યાર્થીઓએ ઉત્તમ ટકાવારી સાથે પાસ થઈને સાબિત કરી દીધું છે કે જો યોગ્ય માર્ગદર્શન મળે તો મદ્રસાના વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડી શકે છે. જામિયા દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો: GSEB SSC Result 2026: ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, દીકરીઓએ ફરી મારી બાજી

