Gandhidham BSF Camp : કચ્છ બોર્ડર પર આવેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ [Border Security Force] એટલે કે BSF ની 90 નંબરની બટાલિયનના હેડક્વાર્ટરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારના અરસામાં અહીં ફરજ બજાવતા 24 વર્ષીય યુવાન જવાન પંકજ લધુભાઈ મેમાકિયાનું [Pankaj Memakiya] શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, જવાનને તેની જ એકે-47 રાઈફલમાંથી [AK-47 Rifle] ગોળી વાગી હતી. આ ગોઝારી ઘટનાએ સમગ્ર કેમ્પમાં અને વિસ્તારમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
Gandhidham BSF Camp ભેદી સંજોગોમાં ગોળી વાગતા કરુણ મોત
પ્રાપ્ત અહેવાલો અનુસાર, શુક્રવારે સવારે અંદાજે 9 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં [Rambaug Hospital] ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા BSF ના અધિકારીઓનો કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો. વધુ તપાસ અને ચોક્કસ કારણ જાણવા માટે જવાનના મૃતદેહને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ [Post-mortem] માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોત પાછળ અનેક સવાલો અને પોલીસ તપાસ શરૂ
આ ઘટના બાદ BSF કેમ્પમાં અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જવાનના મોત પાછળ કોઈ ઉચ્ચ અધિકારીઓની હેરાનગતિ અથવા તો યુનિટમાં જ ફરજ બજાવતી અન્ય કોઈ વ્યક્તિ સાથેની માથાકૂટ જવાબદાર હોઈ શકે છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત એ છે કે, ગાંધીનગર IG થી લઈને ભુજ સેક્ટરના DIG અને બટાલિયનના કમાન્ડન્ટ વિજય કુમાર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સંપૂર્ણ મૌન સેવી લીધું છે. આ હત્યા છે, આત્મહત્યા છે કે પછી કોઈ આકસ્મિક દુર્ઘટના, તે અંગે કાયદેસરની પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

