Ahmedabad Rain અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલા અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોના જમાવડા સાથે શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અમદાવાદીઓને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે.
Ahmedabad Rain સરખેજ અને એસ.જી. હાઈવે સહિત પશ્ચિમ અમદાવાદમાં ધબધબાટી
અહેવાલ અનુસાર, વરસાદની શરૂઆત પશ્ચિમ અમદાવાદના વિસ્તારોથી થઈ હતી. ખાસ કરીને સરખેજ, એસ.જી. હાઈવે, જોધપુર, સેટેલાઈટ, બોપલ અને મકરબા સહિતના વિસ્તારોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સરખેજ આસપાસના નીચાણવાળા રસ્તાઓ પર ટૂંકા સમયમાં જ પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોની ગતિ ધીમી પડી ગઈ હતી. આ સિવાય પૂર્વ અમદાવાદના મણિનગર, નિકોલ, ઓઢવ અને નરોડા પંથકમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે સારો વરસાદ નોંધાયો છે.
બફારામાંથી મુક્તિ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઊંચો રહેવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. આજના આ મુશળધાર વરસાદે સેંકડો નોકરીયાતો અને વાહનચાલકોને ભીંજવ્યા હતા, પરંતુ ગરમીથી છુટકારો મળતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન પણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તેજ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મકાન ખરીદવું થશે મોંઘું, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 10% નો વધારો

