GSEB Board Exam 2027: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ભરવાની શરૂઆત, 3 ડિસેમ્બર છેલ્લી તારીખ

GSEB Board Exam 2027

GSEB Board Exam 2027  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓ માટે આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના સંબંધિત વિદ્યાર્થીઓ અને શાળાઓ હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 નવેમ્બર, 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ છે. જ્યારે ઓનલાઇન આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર, 2026ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી રાખવામાં આવી છે.

GSEB Board Exam 2027: મહત્વની તારીખો

વિગતો તારીખ અને સમય
ફોર્મ ભરવાની શરૂઆત 4 નવેમ્બર, 2026 બપોરે 12 વાગ્યે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર, 2026 રાત્રે 12 વાગ્યે
પરીક્ષા ફેબ્રુઆરી, 2027
ઓનલાઇન અરજી gseb.org

કયા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે?

ફેબ્રુઆરી-2027ની બોર્ડ પરીક્ષા માટે વિવિધ પ્રવાહ અને કેટેગરીના વિદ્યાર્થીઓએ ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમાં નીચેના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

  • ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ
  • વ્યવસાયલક્ષી પ્રવાહ
  • ઉત્તર બુનિયાદી પ્રવાહ
  • સંસ્કૃત મધ્યમા

આ ઉપરાંત નિયમિત (Regular), પુનરાવર્તિત (Repeater), GSOS રેગ્યુલર, GSOS રિપીટર અને પૃથક (Isolated) કેટેગરીના વિદ્યાર્થીઓએ પણ આવેદનપત્ર ભરવાનું રહેશે.

GSEB Board Exam 2027 શાળાઓ અને આચાર્યો માટે બોર્ડની સૂચના

ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની તમામ સંબંધિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

શાળાના સંચાલકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓએ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો સમયસર સબમિટ થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. ફોર્મ ભરતી વખતે કોઈ તકનીકી કે પ્રક્રિયાગત મુશ્કેલી આવે તો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

વિદ્યાર્થીઓએ છેલ્લી તારીખની રાહ ન જોવી

બોર્ડની પરીક્ષામાં બેસવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 3 ડિસેમ્બર પહેલાં પોતાનાં આવેદનપત્રો ભરાવી દેવા જોઈએ. છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ટ્રાફિક અથવા ટેકનિકલ સમસ્યા ઊભી થાય તો મુશ્કેલી પડી શકે છે.વધુ માહિતી અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ તથા શાળાઓએ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.orgની મુલાકાત લેવી.