Kutch Mega Demolition : ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને જમીન હડપ કરનારા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા નિર્દેશો હેઠળ, પૂર્વ કચ્છના જૂના કંડલા વિસ્તારમાં એક વિશાળ ‘મેગા ડિમોલિશન’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા લાખો રૂપિયાની સરકારી જમીનને ભૂમાફિયાઓના કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવી છે.
Kutch Mega Demolition : સંવેદનશીલ વિસ્તારમાં કડક કાર્યવાહી
આ ઓપરેશન અત્યંત વ્યૂહાત્મક અને સંવેદનશીલ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. ઇફ્કો (IFFCO) પ્લાન્ટ અને મહત્વપૂર્ણ ઓઈલ પાઈપલાઈનની નજીક આવેલી સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી હતી. આ કાર્યવાહી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારની સીધી દેખરેખમાં પૂર્ણ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ દૂર કરાયું
કંડલા મરીન પોલીસ સ્ટેશનની હદમાં સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા સ્થળે સરકારી જમીન પર ઊભી કરી દેવાયેલી એક ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે સતત હાજર રહ્યા હતા.
ભૂમાફિયાઓમાં ફફડાટ: આગામી દિવસોમાં ઝુંબેશ વધુ વેગવંતી બનશે
આ કાર્યવાહીના પગલે લાંબા સમયથી સરકારી જમીન દબાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. ઉચ્ચ સ્તરીય આદેશ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યભરમાં આવા તમામ ગેરકાયદેસર બાંધકામો સામેની આ ઝુંબેશને વધુ વેગ આપવામાં આવશે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, ગુજરાતને 8 નવી GIDC મળશે!

