CEC Gyanesh Kumar Vigilance Probe મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને લઈને પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા જ્ઞાનેશકુમાર સામે હવે કેરળ સરકારે એક અત્યંત કડક પગલું ભર્યું છે. કેરળ સરકારે 2006ના એક જૂના ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસમાં તેમની વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપી દીધા છે. આ સમગ્ર મામલો કેરળના જાહેર બાંધકામ વિભાગ (PWD) ના સચિવ તરીકેના તેમના કાર્યકાળ સાથે જોડાયેલો છે.
CEC Gyanesh Kumar Vigilance Probe ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને દબાવી દેવાયેલો કેસ
પ્રાપ્ત વિગતો અનુસાર, PWD સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન જ્ઞાનેશકુમાર પર ગેરરીતિઓ આચરવાનો ગંભીર આરોપ છે. એ સમયે વિવાદ વકર્યા બાદ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસ પણ થઈ હતી. જોકે, ફરિયાદીનો સીધો આક્ષેપ છે કે પાછળથી આ સમગ્ર કેસને રફેદફે કરી દેવામાં આવ્યો હતો. હવે વર્ષો બાદ ફરીથી આ ફાઈલો ખૂલતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
CEC Gyanesh Kumar Vigilance Probe મલેશિયન એન્જિનિયરના આપઘાત કેસમાં ઉછળ્યું નામ
નાણાકીય ગેરરીતિઓ ઉપરાંત એક મલેશિયન એન્જિનિયરના આપઘાત કેસમાં પણ જ્ઞાનેશકુમારનું નામ સામે આવતા કેસ વધુ સંગીન બન્યો છે. કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત રોડના અપગ્રેડેશનમાં સામેલ PATI-BEL કન્સોર્ટિયમ સાથે સંકળાયેલા મલેશિયન એન્જિનિયર લી સી બીને 2006માં કુઆલાલમ્પુરમાં આપઘાત કરી લીધો હતો. બીને પોતાની સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જ્ઞાનેશકુમારનું નામ લખીને આરોપ લગાવ્યો હતો કે ભારતીય અધિકારીઓ તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા.
ગૃહમંત્રીના આદેશથી VACB કરશે ઊંડાણપૂર્વક તપાસ
આ ગંભીર આક્ષેપોને પગલે કેરળના ગૃહમંત્રી રમેશ ચેનિથ્થલાએ વિજિલન્સ ડિરેક્ટરને આ મામલે કડક તપાસ કરવાના આદેશ આપ્યા છે. હવે વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યૂરો (VACB) જ્ઞાનેશકુમાર સાથે સંકળાયેલા આ તમામ આરોપોની ઝીણવટભરી તપાસ કરશે. જો આ તપાસમાં આરોપો સાબિત થશે, તો મુખ્ય ચૂંટણી કમિશનર પદ પર બેઠેલા જ્ઞાનેશકુમાર માટે મોટી કાનૂની અને નૈતિક મુશ્કેલી ઊભી થઈ શકે છે.
SIR પ્રક્રિયા અંગે વિપક્ષના નિશાને CEC
ઉલ્લેખનીય છે કે જ્ઞાનેશકુમાર પહેલાથી જ વિપક્ષના સીધા નિશાને છે. તાજેતરમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે અન્ય બે ચૂંટણી કમિશનરોએ મુખ્ય ચૂંટણી કમિશનરના અનેક નિર્ણયો પર વાંધો ઉઠાવ્યો હતો. આ ખુલાસા બાદ કોકરોચ જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ આક્રમક બની છે. વિપક્ષો તેમના રાજીનામાની ઉગ્ર માંગ સાથે મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પ્રદર્શન અને ધરણાં કરી રહ્યા છે.
વકીલોનું મહાઆંદોલન: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ રહેશે ઠપ્પ

