Sabarmati to Katra Direct Train: માતા વૈષ્ણો દેવીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવેએ એક મોટી અને આવકારદાયક ભેટ આપી છે. ગુજરાતના સાબરમતીથી જમ્મુ-કાશ્મીરના કટરા સુધી હવે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. અગાઉ પશ્ચિમ ભારતથી આવતા ભક્તોની ‘સાબરમતી બીજી-જમ્મુ તવી એક્સપ્રેસ’ જમ્મુ તવી રેલવે સ્ટેશન પર જ પોતાની યાત્રા પૂર્ણ કરતી હતી, જેના કારણે મુસાફરોએ ત્યાંથી કટરા જવા માટે બીજી ટ્રેન કે વાહન બદલવું પડતું હતું. પરંતુ હવે આ નવી સુવિધાથી ભક્તો સીધા જ વૈષ્ણો દેવીના બેઝ કેમ્પ કટરા સુધી અવિરત અને આરામદાયક મુસાફરી કરી શકશે.
Sabarmati to Katra Direct Train: જાણો ટ્રેનનું નવું સમયપત્રક અને રૂટ
ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 19223 સાબરમતીથી દર રવિવારે સવારે 10:27 વાગ્યે ઊપડીને બીજા દિવસે સોમવારે સાંજે 6:55 વાગ્યે ‘શ્રી માતા વૈષ્ણો દેવી કટરા’ પહોંચશે. જ્યારે વિપરીત દિશામાં પરત ફરવા માટે ટ્રેન નંબર 19224 કટરાથી સવારે 4:50 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે 2:05 વાગ્યે સાબરમતી પહોંચશે. આશરે 33 કલાકની આ સફરમાં મુસાફરોને સામાન સાથે ટ્રેન બદલવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. આ ટ્રેન માર્ગમાં સાંબા, બારી બ્રાહ્મણા અને ઉધમપુર સ્ટેશન પર પણ ઊભી રહેશે.
દર વર્ષે દેશભરમાંથી 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ વૈષ્ણો દેવીના દર્શનાર્થે જાય છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ભક્તોની સંખ્યા સૌથી વધુ હોય છે. વૃદ્ધો અને નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે જમ્મુમાં ટ્રેન બદલવી ખૂબ જ હાલાકીભરી હતી, જે સમસ્યા હવે દૂર થઈ ગઈ છે. વધુમાં, આ દૈનિક ટ્રેન સાબરમતી, ભટિંડા, ફિરોઝપુર, જલંધર અને પઠાણકોટ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને જોડશે. જેનાથી માત્ર ધાર્મિક પ્રવાસનને જ પ્રોત્સાહન નહીં મળે, પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યો વચ્ચે વેપાર, આર્થિક વિકાસ અને રોજગારી માટે નવી તકો પણ ઊભી થશે.

