Mahemdavad Nagarpalika Dispute: મહેમદાવાદ નગરપાલિકામાં વિવાદનો સુખદ અંત, પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાઈ

Mahemdavad Nagarpalika Dispute:

Mahemdavad Nagarpalika Dispute: મહેમદાવાદ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને પગલે સર્જાયેલી રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. નગરપાલિકાના તમામ કાઉન્સિલરોએ એકત્ર થઈને પરસ્પર ચર્ચા-વિચારણા કર્યા બાદ આંતરિક મતભેદોનું નિરાકરણ લાવી લીધું છે. તમામ સભ્યો વચ્ચે સમાધાન સધાતા પ્રમુખ સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત સત્તાવાર રીતે પાછી ખેંચી લેવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.

આ મામલે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે  સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે અંદરોઅંદર જે કંઈ નાના-મોટા મતભેદો અને ગેરસમજ ઊભી થઈ હતી, તેનું સાથે બેસીને નિવારણ લાવી દેવામાં આવ્યું છે. નગરના વિકાસ કાર્યો અવરોધાય નહીં અને લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા મળે તે હેતુથી તમામ સભ્યોએ એકસૂરે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

Mahemdavad Nagarpalika Dispute: નગરના વિકાસ કાર્યો માટે તમામ સભ્યો સંપીને કામ કરશે

કાઉન્સિલરો વચ્ચે થયેલી આ બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી કે શહેરના હિતમાં રાજકીય ખેંચતાણ બાજુ પર રાખીને આગળ વધવું જરૂરી છે. જેના પગલે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં પાલિકા વહીવટ તેમજ નગરના બાકી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ ધપાવવા માટે તમામ સભ્યો સંપીને કામગીરી કરશે. આ સમાધાનથી સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

નોંધનીય છે કે ખેડા જિલ્લાના મહેમદાબાદ નગરપાલિકામાં રાજકીય હલચલ તેજ બની હતી. નગરપાલિકાના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ સામે ભાજપના 10 ચૂંટાયેલા સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. સભ્યોએ કલેક્ટર અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને પ્રમુખની કામગીરી અને વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મહેમદાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ સામે ભાજપના 10 સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *