Extreme Weather Events ના કારણે ભારતમાં વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં 3,320 લોકોનાં મોત થયાં છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન દેશના 273 દિવસમાંથી 251 દિવસ એટલે કે લગભગ 92 ટકા દિવસોમાં ક્યાંક ને ક્યાંક આત્યંતિક હવામાનની ઘટનાઓ નોંધાઈ હતી. ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન, ગરમી અને ઠંડીના મોજાં સહિતની ઘટનાઓએ માનવજીવન, ખેતી અને રહેણાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) અને ડાઉન ટુ અર્થ (DTE) દ્વારા 4 નવેમ્બરે જાહેર કરાયેલા ‘ક્લાઇમેટ ઇન્ડિયા 2026’ અહેવાલમાં આ વિગતો સામે આવી છે. અહેવાલ મુજબ, આ વર્ષે 1,28,334 મકાનો નષ્ટ થયાં અને આશરે 42.5 લાખ હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. આ ઉપરાંત 47,244 પશુઓનાં પણ મોત થયાં છે.
Extreme Weather Events થી પાંચ વર્ષમાં 16 હજારથી વધુનાં મોત
અહેવાલમાં 2022થી 2026 વચ્ચેના આંકડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ પાંચ વર્ષ દરમિયાન ભારતમાં આત્યંતિક હવામાનની ઘટનાઓને કારણે 16 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. વર્ષ 2022માં 2,755, 2023માં 2,923, 2024માં 3,238 અને 2025માં 4,064 લોકોનાં મોત નોંધાયાં હતાં. 2025 આ સમયગાળાનું સૌથી વધુ જાનહાનિ ધરાવતું વર્ષ રહ્યું હતું.
ખેતીને થયેલું નુકસાન પણ ચિંતાજનક છે. 2022થી 2026 દરમિયાન કુલ 2.06 કરોડ હેક્ટરથી વધુ પાક વિસ્તાર પ્રભાવિત થયો હતો. તેમાં 82 ટકાથી વધુ નુકસાન 2024થી 2026 વચ્ચે થયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. વર્ષ 2025માં 94.7 લાખ હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું હતું, જ્યારે 2026માં 42.5 લાખ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે.
રાજ્યવાર આંકડાઓ મુજબ, 2026માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 811 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 286 અને બિહારમાં 245 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકના નુકસાનમાં મહારાષ્ટ્ર 28.3 લાખ હેક્ટર સાથે સૌથી આગળ રહ્યું હતું.
અહેવાલમાં બદલાતી હવામાનની પેટર્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળો વધુ ગરમ બની રહ્યો છે અને ગરમીનું મોજું વહેલું શરૂ થઈ રહ્યું છે. CSEનાં મહાનિર્દેશક સુનિતા નારાયણે આ સ્થિતિને આબોહવા પરિવર્તનની ગંભીર માનવીય અસર ગણાવી છે. તેમના મતે, દેશે વધતી આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરવા માટે વધુ સજ્જ થવાની જરૂર છે.

