Gujarat High Court Case માં 15 વર્ષના કિશોરે પોતાની માતા સામે મારપીટ અને હેરાનગતિના આક્ષેપો સાથે અરજી દાખલ કરી છે. કિશોરે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સુરક્ષા અને કલ્યાણકારી પગલાં લેવાની માગ કરી છે. માતા સાથે રહેવામાં અસુરક્ષિત અનુભવતો હોવાનો દાવો કરીને તેણે મોરબીમાં રહેતાં દાદા-દાદી સાથે રહેવાની મંજૂરી માગી છે. સાથે જ માતા વિરુદ્ધ FIR નોંધવાની પણ માગ કરવામાં આવી છે.
કિશોરની દાદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ એમ.સી. ત્યાગીએ અરજીઓની સુનાવણી દરમિયાન બાળ કલ્યાણ સમિતિ અને શહેરની પોલીસને નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે સંબંધિત અધિકારીઓને 28 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. અગાઉ કિશોરે કરેલી ફરિયાદો અંગે શું કાર્યવાહી કરવામાં આવી હતી, તે અંગે પણ જવાબ માગવામાં આવ્યો છે.
Gujarat High Court Case માં કિશોરે લગાવ્યા ગંભીર આક્ષેપો
અરજી અનુસાર, કિશોરનાં માતા-પિતાના વર્ષ 2020માં છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ તેની કસ્ટડી માતાને સોંપવામાં આવી હતી. માતા સરખેજમાં રહે છે, જ્યારે દાદા-દાદી મોરબીમાં રહે છે. કિશોરના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે.
કિશોરનો આક્ષેપ છે કે માતા તેની પાસે ઘરના કામ કરાવે છે અને અવારનવાર મારપીટ, હેરાનગતિ તથા અપમાનિત કરે છે. તેણે છેલ્લાં ત્રણ મહિનાની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. કિશોરે એવો પણ દાવો કર્યો છે કે એક વખત માતાએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
કિશોરે બાળ કલ્યાણ સમક્ષ પણ રજૂઆત કરી હતી કે તેને દાદા-દાદી પાસે રહેવાની મંજૂરી આપવામાં આવે. અરજીમાં જણાવ્યા મુજબ, તે હાલમાં મોરબીમાં દાદા-દાદી સાથે રહે છે.
કિશોરનો આરોપ છે કે બાળ કલ્યાણ સમિતિ અને પોલીસે તેનું નિવેદન નોંધવા સિવાય કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી. તેણે સમિતિને 13 ઑક્ટોબરના આવેદન અને 21 ઑક્ટોબરના નિવેદનને ધ્યાનમાં રાખીને તેના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી છે. હવે હાઇકોર્ટમાં અધિકારીઓના જવાબ બાદ આ મામલે આગળની કાર્યવાહી થશે.

