Government Employee Suspension અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થયા બાદ તે 48 કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને નિયમો મુજબ આપમેળે સસ્પેન્ડ થયેલો એટલે કે ‘ડીમ્ડ સસ્પેન્ડ’ માનવામાં આવે છે. બિહારની સરકારી હૉસ્પિટલના સંચાલક વિશ્વજીત સિંહને જામીન આપવાના મામલામાં સુનાવણી દરમિયાન અદાલતે આ વાત જણાવી હતી.
વિશ્વજીત સિંહ પર એક કરાર આધારિત કર્મચારીનો બાકી પગાર ચૂકવવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. કર્મચારીનો કુલ બાકી પગાર 36,421 રૂપિયા હતો.
શું છે સમગ્ર મામલો?
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે પટના હાઈ કોર્ટનો આદેશ રદ કર્યો હતો. હાઈ કોર્ટે વિશ્વજીત સિંહને અગાઉ સેશન કોર્ટમાંથી મળેલા જામીન આશરે એક વર્ષ બાદ રદ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
બેન્ચે સ્પષ્ટ કર્યું કે જામીન આપવાના નિર્ણયમાં કથિત લાંચની રકમ કેટલી હતી તે એકમાત્ર માપદંડ બની શકે નહીં. સેશન કોર્ટ દ્વારા લાંચની રકમ નાની ગણાવવાની ટિપ્પણી સાથે અસહમતિ હોય તો પણ હાઈ કોર્ટ જામીન રદ કર્યા વિના પોતાનો અભિપ્રાય આપી શકતી હતી.
48 કલાકની કસ્ટડી બાદ Government Employee Suspensionનો નિયમ
જસ્ટિસ પારડીવાલાએ નોંધ્યું કે આરોપી ધરપકડ બાદ આશરે 15 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યો હતો. અદાલતે જણાવ્યું કે લોકસેવક 48 કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને ડીમ્ડ સસ્પેન્શનની સ્થિતિમાં માનવામાં આવે છે. તેના માટે અલગથી સસ્પેન્શનનો આદેશ આપવો જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટે જામીન અંગે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે આરોપીને સંભવિત મહત્તમ સજા અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો વિચાર કરવો જોઈએ. જોકે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોય અથવા ગુનો અત્યંત ગંભીર હોય તો જામીન નકારવામાં આવી શકે છે.

