Bhupendra Patel New Year નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. નૂતન વર્ષના પર્વે તેઓ શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા ઉમટી પડ્યા હતા.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નાગરિકો અને અધિકારીઓએ મુખ્યમંત્રીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ પણ સૌની શુભેચ્છાઓ સ્વીકારીને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ નવા વર્ષની શરૂઆત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આગળ વધવાના સંદેશ સાથે કરી હતી. ગુજરાતના વિકાસ અને પ્રગતિના ધ્યેયને આગળ વધારવાની વાત પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.
IPS મેસ ખાતે નવા વર્ષનું સ્નેહમિલન
અમદાવાદના IPS મેસ ખાતે પણ નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યભરમાં ફરજ બજાવતા IPS અધિકારીઓ ઉપરાંત રાજ્ય પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને કાર્યક્રમોમાં અધિકારીઓ, અગ્રણીઓ અને નાગરિકોએ પરસ્પર શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું. અમદાવાદમાં નૂતન વર્ષના પર્વે યોજાયેલી આ મુલાકાતો દરમિયાન ઉત્સવ અને સ્નેહમિલનનો માહોલ જોવા મળ્યો હતો.

