Childhood Diabetes in Gujarat એટલે કે ગુજરાતમાં બાળકો અને કિશોરોમાં ડાયાબિટીસનું વધતું પ્રમાણ બાળઆરોગ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ, રાજ્યમાં 10થી 19 વર્ષનાં બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ 2.9 ટકા નોંધાયું છે, જ્યારે દેશની સરેરાશ 0.6 ટકા છે. આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ પાંચ ગણો વધારે છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સામે આવેલા આ આંકડા બાળકોના આરોગ્ય અને જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે.
શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ
દર વર્ષે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે મનાવવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5ના અહેવાલ મુજબ, ગુજરાતમાં 15 વર્ષથી વધુ ઉંમરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું અથવા ખૂબ ઊંચું નોંધાયું છે.
અહેવાલ પ્રમાણે, ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં પુરુષો અને મહિલાઓ બંનેમાં બ્લડ શુગરનું પ્રમાણ વધારે છે. ઉપરાંત, રાજ્યમાં દર પાંચમાંથી એક બાળકમાં પ્રિ-ડાયાબિટીસ સૂચવતું બ્લડ શુગરનું સ્તર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રિ-ડાયાબિટીસની સ્થિતિ ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
Childhood Diabetes in Gujarat: બાળકોમાં આ લક્ષણો દેખાય તો કરાવો તપાસ
બાળકોમાં વારંવાર પેશાબ આવવો, કોઈ સ્પષ્ટ કારણ વગર વજન ઘટવું, સતત થાક લાગવો અને વારંવાર ભૂખ લાગવી જેવા લક્ષણો જોવા મળે તો તેને અવગણવા ન જોઈએ. ખાસ કરીને ટાઇપ-1 ડાયાબિટીસનું સમયસર નિદાન ન થાય તો ડાયાબિટીક કીટોએસિડોસિસ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. આવા લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી જરૂરી છે.
બાળકોને કેટલી ખાંડ આપવી જોઈએ?
આરોગ્ય માર્ગદર્શિકા મુજબ, બે વર્ષથી નાનાં બાળકોને ખોરાકમાં ઉમેરેલી ખાંડ આપવાનું ટાળવું જોઈએ. 2થી 18 વર્ષનાં બાળકો માટે દરરોજ વધુમાં વધુ 25 ગ્રામ એટલે કે આશરે છ નાની ચમચી ઉમેરેલી ખાંડની મર્યાદા સૂચવવામાં આવી છે. ડાયાબિટીસ ધરાવતાં બાળકના આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ અને કુદરતી શુગરનું પ્રમાણ ડૉક્ટર અથવા ડાયેટિશિયનની સલાહથી નક્કી કરવું જોઈએ.
એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. રમેશ ગોયેલના જણાવ્યા અનુસાર, બાળકોને નિયમિત શારીરિક કસરત કરાવવી, સંતુલિત અને પૌષ્ટિક આહાર આપવો તથા ખાંડયુક્ત અને વધુ પ્રોસેસ્ડ ખોરાકનું સેવન મર્યાદિત રાખવું જરૂરી છે. લક્ષણો દેખાય તો સમયસર તપાસ કરાવવાથી યોગ્ય સારવાર શરૂ કરવામાં મદદ મળી શકે છે.

