India Forex Reserves એટલે કે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં બે મહિના બાદ વધારો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 6 નવેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 2.490 અબજ ડૉલરનો વધારો થયો હતો. આ વધારા સાથે કુલ ભંડાર વધીને 719.547 અબજ ડૉલર થયું છે. અગાઉ સતત આઠ સપ્તાહ સુધી તેમાં ઘટાડો નોંધાયો હતો.
FCA અને સોનાના ભંડારમાં વધારો
RBIના આંકડા મુજબ, સમીક્ષા હેઠળના સપ્તાહમાં ફૉરેન કરન્સી એસેટ્સ (FCA)માં 232 મિલિયન ડૉલરનો વધારો થયો હતો. આ સાથે FCA ભંડાર વધીને 591.350 અબજ ડૉલર થયું છે. દેશના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારમાં FCAનો મોટો હિસ્સો હોય છે. તેમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં થતા ફેરફારોની અસર પણ સામેલ હોય છે.
આ સપ્તાહ દરમિયાન સોનાના ભંડારના મૂલ્યમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. RBIના સોનાના ભંડારનું મૂલ્ય 2.205 અબજ ડૉલર વધીને 104.796 અબજ ડૉલર થયું છે. અગાઉના સપ્તાહમાં સોનાના ભંડારના મૂલ્યમાં 559 મિલિયન ડૉલરનો ઘટાડો નોંધાયો હતો.
India Forex Reservesમાં અન્ય ઘટકોનો પણ વધારો
સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR)માં 52 મિલિયન ડૉલરનો વધારો થતાં તે વધીને 18.610 અબજ ડૉલર થયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર (IMF) પાસે રાખવામાં આવેલા ભારતના અનામત ભંડારમાં એક મિલિયન ડૉલરનો વધારો થયો છે. હવે આ ભંડાર 4.791 અબજ ડૉલર થયું છે.
નોંધનીય છે કે 4 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર 785.706 અબજ ડૉલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ત્યારબાદ સતત આઠ સપ્તાહમાં તેમાં કુલ 68.646 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. હવે તાજેતરના સાપ્તાહિક આંકડામાં થયેલો વધારો રાહતરૂપ છે. જોકે, આગામી સપ્તાહોમાં ભંડારમાં થતો ફેરફાર જ આ સુધારો કેટલો ટકાઉ છે તે સ્પષ્ટ કરશે.

