Gujarat Health System: ગુજરાતના CHCમાં 65% નિષ્ણાત ડોક્ટરોની ઘટ, નર્સિંગ સ્ટાફની 2,203 જગ્યાઓ ખાલી

Gujarat Health System

Gujarat Health System અંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ‘હેલ્થ ડાયનામિક્સ ઓફ ઇન્ડિયા 2024-25’ અહેવાલમાં ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થાને લગતા મહત્ત્વના આંકડા સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત ડોક્ટરો, નર્સિંગ તથા પેરામેડિકલ સ્ટાફની મોટી અછત છે. ખાસ કરીને CHCમાં મંજૂર નિષ્ણાત ડોક્ટરોની 65.3 ટકા જગ્યાઓ ખાલી છે.

અહેવાલના આંકડા પ્રમાણે, રાજ્યના 353 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત ડોક્ટરોની કુલ 485 મંજૂર જગ્યાઓમાંથી 317 ખાલી છે. આ કેન્દ્રોમાં નિયમ મુજબ સર્જનની જરૂરિયાત સામે માત્ર 22 સર્જન કાર્યરત છે. જ્યારે ગાયનેકોલોજિસ્ટની સંખ્યા 58 અને બાળરોગ નિષ્ણાતોની સંખ્યા 57 હોવાનું જણાવાયું છે.

ગ્રામ્ય વિસ્તારોનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ડોક્ટરોની 380 જગ્યાઓ ખાલી છે. નર્સિંગ સ્ટાફની કુલ 6,514 જગ્યાઓ સામે 2,203 જગ્યાઓ ભરવાની બાકી છે. આ ઉપરાંત 401 લેબ ટેકનિશિયન, 155 રેડિયોગ્રાફર અને 147 ફાર્માસિસ્ટની જગ્યાઓ પણ ખાલી હોવાનું અહેવાલમાં દર્શાવાયું છે.

Gujarat Health System: આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓની પણ અછત

ગ્રામ્ય વિસ્તારોમાં 1,492 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર 485 કેન્દ્રો 24 કલાક કાર્યરત છે. જ્યારે 320 કેન્દ્રોમાં ઓપરેશન થિયેટરની સુવિધા ચાલુ છે. શહેરી વિસ્તારોનાં 428 આરોગ્ય કેન્દ્રોમાંથી એક પણ કેન્દ્ર 24 કલાક કાર્યરત નથી અને માત્ર 23 કેન્દ્રોમાં ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે.

શહેરી આરોગ્ય સેવાઓની જરૂરિયાત અને ઉપલબ્ધ કેન્દ્રો વચ્ચે પણ મોટો તફાવત છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, આશરે 3.64 કરોડની શહેરી વસ્તી માટે 728 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત છે, જ્યારે હાલમાં 428 કેન્દ્રો જ કાર્યરત છે. એટલે કે આશરે 300 નવા કેન્દ્રોની જરૂરિયાત છે.

ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની અછત તથા મર્યાદિત સુવિધાઓને કારણે સરકારી આરોગ્ય કેન્દ્રો પર સારવાર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા દર્દીઓ માટે સરકારી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ છે. અહેવાલના આંકડા જાહેર આરોગ્ય વ્યવસ્થામાં માનવબળ અને માળખાકીય સુવિધાઓ વધારવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.

Train Safety Violation: AC કોચમાં દીવો પ્રગટાવી આરતીનો વીડિયો