Ahmedabad Fire Accident: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક સિલાઈના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા.
વટવામાં સિલાઈના કારખાનામાં આગથી હડકંપ
વટવા કેનાલ પાસે આવેલા એક સિલાઈના કારખાનામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો. આગ એટલી વિકરાળ બની કે તેને દૂરથી પણ જોવામાં આવી શકી. આગની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા.
ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઘટનાને 40 મિનિટથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજી બેકાબૂ છે.
જાનહાની ટળી, આગનું કારણ અકબંધ
સદનસીબે, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ નથી. જો કે અંદર રહેલા કાપડમાં આગ લાગવાના કારણે તે ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા છે.
ફાયર વિભાગનો બચાવ અભિયાન ચાલુ
ફાયર વિભાગના જવાનો આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગને કાબૂમાં લેવા માટે લાંબો સમય લાગી શકે છે. જો કે, ફાયર વિભાગની ટીમ ઘટના પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને આગ વધુ વિસ્તરે નહીં તે માટે પ્રયત્નશીલ છે.