CSK vs KKR : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો વિજય રથ પુરપાટ ઝડપે દોડી રહ્યો છે. મંગળવારે રાત્રે ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં ચેન્નઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 32 રનથી કારમી હાર આપી છે. આ ચેન્નઈની સિઝનમાં સળંગ બીજી મોટી જીત છે, જ્યારે કોલકાતાની ટીમ હજુ પણ પોતાની પહેલી જીત માટે વલખા મારી રહી છે. KKR ની આ સળંગ ચોથી શરમજનક હાર છે.
CSK vs KKR: ચેન્નઈનું આક્રમક પ્રદર્શન: સંજુ અને મ્હાત્રેની શાનદાર બેટિંગ
ટોસ જીતીને કોલકાતાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ચેન્નઈના ઓપનરોએ આ નિર્ણય ખોટો સાબિત કરી દીધો. સંજુ સેમસન અને યુવા ખેલાડી આયુષ મ્હાત્રેએ પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરતા 6 ઓવરમાં જ 72 રન ઝૂડી કાઢ્યા હતા.આયુષ મ્હાત્રેએ માત્ર 17 બોલમાં 38 રનની તોફાની ઇનિંગ રમી જેમાં તેણે સળંગ બે છગ્ગા અને એક શાનદાર ‘નટરાજ શૉટ’ ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા.
સંજુ સેમસને પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 32 બોલમાં 48 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
મિડલ ઓર્ડરમાં ડેવાલ્ડ બ્રેવિસે (29 બોલમાં 41 રન) અને સરફરાઝ ખાને (23 રન) રમીને ટીમને 20 ઓવરમાં 5 વિકેટે 192 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.જોકે પાવરપ્લે પછી કોલકાતાના સ્પિનરો- સુનીલ નરેન, અનુકૂલ રોય અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી ચેન્નઈના રન રેટ પર બ્રેક લગાવી હતી. કાર્તિક ત્યાગીએ પણ 140kmph ની ઝડપે બોલિંગ કરીને 2 વિકેટ ઝડપી હતી.
કોલકાતાનો ધબડકો: નૂર અહેમદની ઘાતક બોલિંગ સામે બેટ્સમેનો ફ્લોપ
193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવા છતાં ફિન એલન (1 રન) અને સુનીલ નરેન (11 રન) કંઈ ખાસ કરી શક્યા નહીં. કેપ્ટન અજિંક્ય રહાણેએ 28 રન બનાવીને થોડી લડત આપી, પરંતુ અકીલ હુસૈન અને નૂર અહેમદની સ્પિન જાળમાં આખી ટીમ ફસાઈ ગઈ.ચેન્નઈના બોલર નૂર અહેમદે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 3 રન આપીને 3 મોટી વિકેટો (રહાણે, કેમરન ગ્રીન અને રિંકુ સિંહ) ઝડપી કોલકાતાની કમર તોડી નાખી હતી. અંશુલ કંબોજે પણ 2 વિકેટ લીધી હતી. કોલકાતાના વિસ્ફોટક બેટ્સમેનો રમનદીપ સિંહ અને રોવમેન પોવેલ પણ ફ્લોપ રહેતા KKR ની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 160 રન જ બનાવી શકી અને 32 રને મેચ હારી ગઈ.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગના લીધે રાજસ્થાને 6 વિકેટે RCBને હરાવ્યું

