Heavy rains in Gujarat ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 243 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તકના સાત તેમજ પંચાયત હસ્તકના પાંચ સહીત કુલ 12 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોવાથી, ખેડા જિલ્લામાંથી પસાર થતો લિંબાસી તારાપુર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે
Heavy rains in Gujarat સરકારી આંકડાના જણાવ્યા અનુસાર આજે રાજ્યના 5 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જે પૈકી વડોદરા જિલ્લાના પાદરામાં 300 મિ.મી. (11.8 ઈંચ), પંચમહાલના મોરવા હડફમાં 296 મિ.મી (11.6 ઈંચ), આણંદના બોરસદમાં 287 મિ.મી (11.2 ઈંચ), વડોદરા શહેર 284 મિ.મી (11.1 ઈંચ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 260 મિ.મી (10.2 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 155 તાલુકામાં 1 ઈંચથી વધુ, 108 તાલુકામાં 2 ઈંચથી વધુ, 70 તાલુકામાં 3 ઈંચથી વધુ તેમજ 49 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેના પગલે હજુ ધોધમાર વરસાદ વરસશે તેવા એંધાણ છે. અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 82થી 83 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજે ગુજરાતના વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં ફરી ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બીજી બાજુ અમદાવાદમાં હજુ વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટની સ્થિતિ જણાવાઈ રહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, કચ્છ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, રાજકોટ, દીવ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ CM ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.
રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ 63.36 મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.
આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે.
સોમવારે, 26 ઓગસ્ટના સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિ.મી. વરસાદ વરસ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ 91.88 ટકા વરસાદ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.
રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.
સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74% એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.
મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો – ભારે વરસાદના લીધે મોરબીના હળવદનો બ્રિજ તૂટ્યો, એક વર્ષ પહેલા જ બનાવાયો હતો