gujarat dgp order : ગુજરાત પોલીસ વિભાગના વડા એટલે કે DGP (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) દ્વારા રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને પોલીસિંગ વ્યવસ્થાને વધુ પારદર્શક તેમજ લોકાભિમુખ બનાવવા માટે એક અત્યંત મહત્વનો અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નવી સત્તાવાર માર્ગદર્શિકા અનુસાર, હવે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ સામાન્ય જનતાની ફરિયાદો અને રજૂઆતો રૂબરૂ સાંભળવી પડશે. એટલું જ નહીં, કોઈપણ નાગરિકની અરજી કે કેસનો મહત્તમ 15 દિવસની અંદર સંતોષકારક નિકાલ કરવો ફરજિયાત રહેશે. DGPના આ કડક વલણથી સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.
gujarat dgp order : પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર: રોજ ફાળવવો પડશે ચોક્કસ સમય
DGP દ્વારા જારી કરાયેલા કડક પરિપત્ર મુજબ, રાજ્યના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડા (SP), નાયબ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ (DySP) અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ (PI/PSI) એ પોતાના સ્તરે દરરોજ અરજદારોને રૂબરૂ મળવા માટે એક ચોક્કસ સમય ફાળવવો પડશે. સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો અથવા રજૂઆતો માટે પોલીસ સ્ટેશનોના દિવસો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. જો કોઈ પણ અધિકારી પ્રજાની વાત સાંભળવામાં આનાકાની કરશે કે નિષ્કાળજી દાખવશે, તો તેમની સામે કડક ખાતાકીય પગલાં લેવામાં આવશે.
વરિષ્ઠ અધિકારીઓ કરશે મોનિટરિંગ
સામાન્ય રીતે પોલીસ મથકોમાં સામાન્ય નાગરિકોની અરજીઓ મહિનાઓ સુધી પેન્ડિંગ રહેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. આ દૂષણને જડમૂળથી ડામવા માટે DGPએ સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી દીધી છે કે કોઈપણ અરજી કે વિવાદની તપાસ ઝડપથી પૂરી કરીને ૧૫ દિવસની સમયમર્યાદામાં તેનો આખરી નિકાલ લાવી દેવાનો રહેશે.
આ સમગ્ર પ્રક્રિયાનું કડક મોનિટરિંગ કરવામાં આવશે. દર મહિને કયા પોલીસ મથકમાં કેટલી ફરિયાદો આવી, તેમાંથી કેટલી પેન્ડિંગ છે અને કેટલા દિવસમાં તેનો નિકાલ થયો તેનો વિગતવાર રિપોર્ટ સીધો જ ઉચ્ચ કચેરી અને DGP ઓફિસ ખાતે મોકલવાનો રહેશે. આ નિર્ણયથી પોલીસ તંત્રની કાર્યક્ષમતા વધશે અને સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળશે.
આ પણ વાંચો: અમદાવાદના વિશાલા પાસે ફતેવાડીમાં ભીષણ આગ: સ્લમ વિસ્તારમાં 60 ઝૂંપડાં બળીને ખાખ

