India Smartphone Marketમાં એક દાયકાનો સૌથી મોટો ઘટાડો, Samsung ફરી નંબર-1; Appleના શિપમેન્ટમાં 25%નો ઘટાડો

India Smartphone Market

India Smartphone Market માટે સપ્ટેમ્બર ત્રિમાસિક નિરાશાજનક રહ્યું છે. IDCના અહેવાલ મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં ગયા વર્ષની સરખામણીમાં 23.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળામાં કુલ 3.68 કરોડ યુનિટ સ્માર્ટફોન મોકલવામાં આવ્યા હતા. IDCએ આ તહેવારી ત્રિમાસિકને છેલ્લા એક દાયકાનું સૌથી ખરાબ ત્રિમાસિક ગણાવ્યું છે.

આ દરમિયાન એપલના આઇફોનના શિપમેન્ટમાં પણ 25 ટકાનો ઘટાડો થયો હતો. કંપનીએ રિટેલર્સને આશરે 37 લાખ ફોન મોકલ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 50 લાખ હતો. આઇફોન 15, 16 અને 17ની અછત, જૂનાં મોડલ પર ડિસ્કાઉન્ટનો અભાવ અને નવા ફોનની રજૂઆત આસપાસ કિંમતોમાં થયેલા વધારાને ઘટાડાનાં કારણો ગણાવવામાં આવ્યા છે.

India Smartphone Marketમાં Samsungનો બજારહિસ્સો વધ્યો

આ ત્રિમાસિકમાં સેમસંગે વીવોને પાછળ છોડીને ફરી ભારતીય સ્માર્ટફોન બજારમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વીવો સતત 10 ત્રિમાસિક સુધી નંબર-1 પર રહ્યું હતું. IDCના આંકડા મુજબ, સેમસંગના શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 7.9 ટકાનો વધારો થયો હતો. કંપનીનો બજારહિસ્સો 12.6 ટકાથી વધીને 17.7 ટકા થયો હતો.

બીજી તરફ, વીવોના શિપમેન્ટમાં 29.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 16.8 ટકા બજારહિસ્સા સાથે બીજા સ્થાને આવ્યું હતું. ઓપ્પોના શિપમેન્ટમાં પણ 26.5 ટકાનો ઘટાડો થયો હતો અને તે ત્રીજા સ્થાને રહ્યું હતું.

IDCના સિનિયર રિસર્ચ મેનેજર ઉપાસના જોશીના જણાવ્યા અનુસાર, ઊંચી સરેરાશ વેચાણ કિંમત, ઓછા ડિસ્કાઉન્ટ અને ગ્રાહકો દ્વારા લાંબા સમય સુધી જૂનો ફોન વાપરવાની પ્રવૃત્તિને કારણે તહેવારો દરમિયાન પણ માંગ નબળી રહી હતી.

સૌથી વધુ અસર 100 ડૉલરથી ઓછી કિંમતના સ્માર્ટફોન વિભાગમાં જોવા મળી હતી. આ શ્રેણીના શિપમેન્ટમાં 90.9 ટકાનો ઘટાડો થયો હતો. બીજી તરફ, સરેરાશ વેચાણ કિંમત 26.1 ટકા વધીને 371 ડૉલરના વિક્રમી સ્તરે પહોંચી હતી.

IDCના અનુમાન મુજબ, ઑક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ શિપમેન્ટમાં 25 ટકાથી વધુ ઘટાડો થઈ શકે છે. સમગ્ર વર્ષ દરમિયાન સ્માર્ટફોન શિપમેન્ટ 16થી 18 ટકા ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Vande Bharat Train પર પથ્થરમારો, સચિન પાસે C-4 કોચનો કાચ તૂટ્યો