ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી અને પ્રથમ 10 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 71 રન બનાવ્યા હતા, પરંતુ પછીની 37.5 ઓવરમાં ભારતીય ટીમે 159 રન બનાવ્યા હતા અને તેની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 47.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 230 રન જ બનાવી શકી હતી. જો કે ભારતીય ટીમ વધુ વિકેટ ગુમાવી હોવા છતાં જીતની ખૂબ નજીક આવી હતી, પરંતુ શ્રીલંકાના સુકાની ચારિથ અસલંકાએ સતત બોલમાં બે વિકેટ લઈને મેચનો માહોલ ફેરવી નાખ્યો હતો.
ભારત-શ્રીલંકા પ્રથમ વન-ડે
ભારતને છેલ્લી 6 ઓવરમાં જીતવા માટે માત્ર 21 રનની જરૂર હતી અને તેની ત્રણ વિકેટ બાકી હતી. કુલદીપ યાદવ 45મી ઓવરના ત્રીજા બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. હસરંગાએ તેમને પોતાની જાળમાં ફસાવ્યા. આ ઓવરના અંત પછી ભારતે 5 ઓવરમાં 18 રન બનાવવાના હતા અને તેની બે વિકેટ બાકી હતી. 46મી ઓવરમાં માત્ર ત્રણ રન થયા હતા પરંતુ કોઈ વિકેટ પડી ન હતી. અસલંકાએ આ કામ પાર પાડ્યું.
આ પછી શિવમ દુબેએ હસરંગાની ઓવરમાં સિક્સર ફટકારીને ભારતને જીતની નજીક પહોંચાડ્યું હતું. ભારતને હવે 18 બોલમાં પાંચ રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી પરંતુ ફરી એકવાર શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ પોતે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. શિવમે 48મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને સ્કોર બરાબરી થઈ ગયો. પરંતુ આગલા બોલ પર શિવમ દુબે એલબીડબલ્યુ થયો હતો. આ પછી અર્શદીપ પણ મોટો શોટ રમવાના પ્રયાસમાં LBW આઉટ થયો હતો. જેના કારણે ભારત જીત માટે જરૂરી એક રન પણ બનાવી શક્યું ન હતું.
આ પણ વાંચો- લક્ષ્ય સેને રચ્યો ઇતિહાસ, ઓલિમ્પિક બેડમિન્ટ સેમીફાઇનલમાં પહોચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો