ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર તેની પોસ્ટ પર પાકિસ્તાની ઘૂસણખોરોના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાની સેનાના 2 થી 3 સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બની હતી.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ઘૂસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતીય સૈનિકો પર હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમને એલઓસી પર છુપાયેલા હુમલાઓ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. પાકિસ્તાનની આ એજન્સી અગાઉ પણ બોર્ડર પર ભારતીય સૈનિકો પર હુમલો કરી ચૂકી છે. આ અનુભવનો ફાયદો ઉઠાવીને આ ટીમ ફરી એકવાર ભારતીય જવાનોને નિશાન બનાવવા માંગતી હતી.
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈનિકોએ એલઓસી પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતા જ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકી સંગઠન અલ-બદરના આતંકીઓનો પણ સમાવેશ થાય છે.