International Women Day: ગુજરાતમાં ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું થશે ભવ્ય લોન્ચિંગ: જાણો સંપૂર્ણ વિગતો અને લાભ

International Women Day

International Women Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે, જેમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે, ગુજરાતના 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે.

લખપતિ દીદી યોજના અને સંમેલન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ, જે મહિલાઓ કૃષિ, પશુપાલન કે લઘુ ઉદ્યોગ દ્વારા માસિક ₹10,000 અને વાર્ષિક ₹1 લાખ કે તેથી વધુ કમાય છે, તેમને ‘લખપતિ દીદી’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત 1.5 લાખ મહિલાઓએ લખપતિ દીદી બનવાનું ગૌરવ મળ્યું છે.

નવસારી ખાતે યોજાનાર ‘લખપતિ દીદી સંમેલન’ માં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખથી વધુ મહિલાઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ પસંદ કરેલી 10 લખપતિ દીદીઓ સાથે સંવાદ કરશે અને 5 મહિલાઓને સન્માનિત કરશે. આ ઉપરાંત, ‘લખપતિ દીદી’ યોજના અંતર્ગત ગુજરાતમાં થયેલી પ્રગતિ દર્શાવતી એક ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનો આરંભ
આ અવસરે, રાજ્ય સરકાર બે નવી યોજનાઓ ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ નો શુભારંભ કરશે.

1. જી-સફલ (G-SAFAL: Gujarat Scheme for Antyodaya Families for Augmenting Livelihoods)
આ યોજના અંત્યોદય પરિવારોની બહેનોને આત્મનિર્ભર બનાવશે.

લાભાર્થીઓ: રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા અને 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારો.
સહાય: દરેક મહિલા માટે ₹1 લાખની નાણાકીય સહાય.
વ્યવસાયિક તાલીમ: 5 વર્ષમાં 50,000 મહિલાઓ માટે ₹500 કરોડ ફાળવાશે.
માર્ગદર્શન: 50-60 મહિલાઓ દીઠ 1 ફિલ્ડ કોચ, સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતાનિર્માણ.

2. જી-મૈત્રી (G-MAITRI: Gujarat Mentorship and Acceleration of Individuals for Transforming Rural Income)
આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્ટાર્ટઅપ અને સામાજિક ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે.

લાભાર્થીઓ: 10 લાખથી વધુ ગ્રામીણ મહિલા અને યુવાનો.
ફંડિંગ: ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ (G-SEF) દ્વારા 5 વર્ષ માટે ₹50 કરોડ ફાળવવામાં આવ્યા.
સહાય:

સીડ સ્ટાર્ટઅપ માટે ₹20 લાખ.
સ્કેલ સ્ટાર્ટઅપ માટે ₹30 લાખ.
પ્રશિક્ષણ: ઉદ્યોગસાહસિકતા માટે વર્કશોપ અને તાલીમ યોજાશે.
પ્રગતિ: 5 વર્ષમાં 150 થી વધુ સ્ટાર્ટઅપ્સને સમર્થન.

મહિલા સશક્તિકરણ તરફ એક મોટું પગથિયું
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત ‘વીમેન-લેડ ડેવલપમેન્ટ’ ના ઉદ્દેશ્યને સાકાર કરી રહ્યું છે. ‘લખપતિ દીદી’ યોજના હેઠળ મહાન ભારતની મહાન મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરાયો છે. ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ જેવી યોજનાઓ દ્વારા ગુજરાતમાં મહિલાઓ અને યુવાનો માટે સશક્તિનિર્માણની નવી દિશા ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *