ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવા માટે 100 યુદ્ધ વિમાનો ઉતાર્યા

  ઈરાન પર હુમલો – ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયેલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે 100થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલની આ કાર્યવાહીને ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે.

  ઈરાન પર હુમલો -જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર શનિવારના હુમલામાં 100 થી વધુ ઈઝરાયેલી વિમાનોએ ભાગ લીધો હતો. 2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હુમલા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ તે ઓપરેશનમાં સામેલ નહોતું.

‘પરમાણુ સ્થળો અને તેલ ક્ષેત્રો પર કોઈ હુમલો નહીં’

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, એનબીસીએ એક અનામી ઈઝરાયેલ અધિકારીને ટાંકીને કહ્યું કે ઈઝરાયેલ ઈરાની પરમાણુ સ્થળો અથવા તેલ ક્ષેત્રો પર હુમલો કરી રહ્યું નથી. તેનું ધ્યાન લશ્કરી ઉદ્દેશ્યો પર છે. ઈઝરાયેલની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા છે.

અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘અમે એવી વસ્તુઓને ટાર્ગેટ કરી રહ્યા છીએ જે ભૂતકાળમાં અમારા માટે ખતરો બની શકે છે અથવા ભવિષ્યમાં ખતરો બની શકે છે.’ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓ સામે ઈઝરાયેલની કાર્યવાહીને સમર્થન આપતી વખતે, બિડેન વહીવટીતંત્ર ઈઝરાયેલને આવા લક્ષ્યો પર હુમલો ન કરવા વિનંતી કરી રહ્યું છે.

ઈરાક, સીરિયા અને લેબનોનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા

ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAનું કહેવું છે કે સેન્ટ્રલ તેહરાનમાં તોપમારાના અવાજ સંભળાઈ રહ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના હેડક્વાર્ટર નજીક વિસ્ફોટના અહેવાલો પણ છે. ઈરાનની સાથે સાથે ઈરાક, સીરિયા અને લેબનોનમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ઇરાકે આગામી સૂચના સુધી તમામ એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે તે ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી વાકેફ છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

બિડેનને માહિતી આપી હતી

ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. તેહરાન તેમજ ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ અને અબાદાનના દક્ષિણ-પશ્ચિમ શહેરોમાં નવા વિસ્ફોટોના અહેવાલો છે. વ્હાઇટ હાઉસના અધિકારીનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બિડેનને આ અંગે જાણકારી આપવામાં આવી છે અને તેઓ ઇઝરાયેલના જવાબી હુમલા પર નજીકથી નજર રાખી રહ્યા છે

આ પણ વાંચો – ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો, તહેરાન સહિતના શહેરો પર કર્યો હુમલો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *