આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે.
અધિવેશનની શરૂઆતમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમના ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલાગવી કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી.
‘ગુજરાત મહાપુરુષોની ધરતી’
મલ્લિકાર્જુન ખડગે કહ્યું, “ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં જાણીતું કર્યું, દાદાભાઈ નૌરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ- આ માટેની કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતાં. ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી.”
તેમણે વધુમાં કહ્યું, “સરદાર સાહેબના નેતૃત્વ હેઠળ કરાચી કોંગ્રેસમાં પસાર થયેલા મૂળભૂત અધિકારો અંગેના ઠરાવો ભારતીય બંધારણનો આત્મા છે. સરદાર પટેલ બંધારણ સભાની મહત્વપૂર્ણ ‘લઘુમતી અને આદિવાસી અને બાકાત વિસ્તારો માટેના મૂળભૂત અધિકારો અંગેની સલાહકાર સમિતિ’ના અધ્યક્ષ હતા
મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આક્રમણ કરતા જણાવ્યું, “મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા રાષ્ટ્રીય નાયકો અંગે એક સુનિયોજિત ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. આજે, સાંપ્રદાયિક વિભાજન કરીને દેશને મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, ઓલિગાર્કિક મોનોપોલી દેશના સંસાધનો પર નિયંત્રણ મેળવીને શાસનને નિયંત્રિત કરવાના પ્રયત્ન કરી રહી છે.”
ખડગેએ સરદાર પટેલ અને પંડિત નહેરૂના સંબંધો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું, “તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધોને એવી રીતે દર્શાવવાનું કાવતરું ઘડે છે કે જાણે બંને નાયકો એકબીજાની વિરુદ્ધ હોય. જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ હતા.
મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું, “મોદી સરકાર સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની પ્રતિમાઓ હટાવીને અને તેમને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કરી રહી છે. ગૃહ પ્રધાને રાજ્યસભામાં બાબા સાહેબની મજાક ઉડાવી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું, “આજે ભાજપ અને સંઘ પરિવારના લોકો ગાંધીજી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે અને તેમને તેમના વૈચારિક વિરોધીઓને સોંપી રહ્યા છે. તેઓએ વારાણસીમાં સર્વ સેવા સંઘનો પણ કબજો લઈ લીધો છે. તમે બધા જાણો છો કે ગુજરાત વિદ્યાપીઠમાં શું થયું. ગાંધીવાદી લોકો અને સહકારી ચળવળના લોકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.”
ગુજરાતમાં અધિવેશનના આયોજન અંગે ખડગેએ જણાવ્યું, “ગુજરાત એ એવો પ્રાંત છે જ્યાં કોંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ મળી છે. આજે અમે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. આપણી વાસ્તવિક તાકાત આપણા દેશની એકતા અને અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારા છે.