પંજાબ પોલીસે બુધવારે મોહાલીમાં ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેરની અટકાયત કરી હતી. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું જ્યારે ખેડૂતો ખનૌરી અને શંભુ બોર્ડર પોઈન્ટ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બંને જગ્યાએ 13 ફેબ્રુઆરી 2024થી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, શંભુ અને ખનૌરી બંને જગ્યાએ લગભગ 3000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ખનૌરી બોર્ડર પર 200 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે લગભગ 300 ખેડૂતો શંભુ બોર્ડર પર હાજર છે, જેમની ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવી શકે છે. ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ ખનૌરી બોર્ડર અને નજીકના સંગરુર અને પટિયાલા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય પંજાબના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.