ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. જુનાગઢ મનપા અને 68 નગરપાલિકાના પરિણામોની જાહેરાત પૂર્ણતાને આરે છે. જાહેર થયેલા પરિણામોમાં 58 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. તો સલાયા નગરપાલિકામાં કૉંગ્રેસને બહુમતી મળી છે. સાથે જ રાજ્યની એક નગરપાલિકામાં ટાઈ થઈ છે, જ્યારે બે નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે.
રાણાવાવ અને કુતિયાણા બેઠક પર એસપીનો કબજો
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એસપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે. આ નગરપાલિકાઓમાં કાંધલ જાડેજાનો દબદબો છે, અને તેઓ એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી, સમાજવાદી પાર્ટીને 14 સીટ મળી, જેમાં કાંધલ જાડેજાનો પ્રભાવ યથાવત રહ્યો છે. જ્યારે, ભાજપને 10 સીટ મળી, જેને કારણે ઢેલીબેન ઓડેદરાને મોટો ફટકો પડ્યો છે. નોંધનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા, અને તેમનું એક ચક્રી શાસન હવે ખતમ થયું છે.
રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ
રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. અહીં, 16 બેઠક પર એસપીને અને 8 બેઠક પર ભાજપને જીત મળી છે. પોરબંદર જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાઈ હતી, જેમાં કુલ 59.83% મતદાન કુતિયાણામાં અને 50.19% મતદાન રાણાવાવમાં થયું. મતગણતરી મંગળવારે કરવામાં આવી હતી, જેમાં રાણાવાવમાં 7 વોર્ડના 7 રાઉન્ડ અને કુતિયાણામાં 6 વોર્ડના 6 રાઉન્ડમાં મતગણતરી થઈ.
કુતિયાણા નગરપાલિકામાં એસપીનો વિજય
કુતિયાણા નગરપાલિકામાં 1995 થી ઢેલીબેન ઓડેદરાનું શાસન હતું, પરંતુ આ વખતે, કાંધલ જાડેજાએ તેમના ભાઈ કાના સહિતની ટીમ સાથે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી અને વિજય પ્રાપ્ત કર્યો.આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવી દિશામાં પ્રગતિ થઈ રહી છે, અને આ બંને નગરપાલિકાઓમાં સમાજવાદી પાર્ટીનો સકારાત્મક પ્રભાવ છે.