ખંભાત નગરપાલિકામાં કૌભાંડ – ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે.
મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ
વર્ષ 2017માં, ભાજપના શાસનકાળ દરમિયાન, તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપી સ્થિત મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના સમારકામ અને સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શરૂઆતમાં, માસિક રૂ. 2,34,864ના દરે કુલ વાર્ષિક 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટનું રિન્યૂઅલ
જૂન 2020માં, કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટમાં 30 ટકા વધારો કરીને તેને રિન્યૂ કરવામાં આવ્યો. છેલ્લાં 6 વર્ષમાં, ફક્ત સમારકામ, સફાઈ અને વીમા પેટે 2 કરોડથી વધુની રકમ ચૂકવાઈ હતી. વધુમાં, 2023માં કોન્ટ્રાક્ટની મુદત પૂરી થવા છતાં, 9 માસનું એક્સટેન્શન આપીને વધારાના રૂ. 21.42 લાખ ચૂકવવામાં આવ્યા, જે નગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું
નોંધનીય છે કે જાગૃત નાગરિક અરુણભાઈ ગોહિલની ફરિયાદના આધારે વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર એસ.પી. ભાગોરાએ તપાસ કરી હતી. તપાસમાં ગેરરીતિઓ બહાર આવતા તેમણે પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાત નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.